USA : અમેરિકાએ આ સપ્તાહમાં ૧૬૧ ભારતીયોને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી મોટા ભાગના ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. આ ભારતીયો અમેરિકાની મેક્સિકો સાથે જોડાયેલી દક્ષિણ સીમામાંથી અંદર દાખલ થયા હતા. હવે અમેરિકામાં રોકાવવાના તેમના તમામ વિકલ્પો ખત્મ થઈ ચૂક્યા છે. આ તમામ લોકો હાલ જેલમાં છે. આ તમામને વિશેષ ચાર્ટર વિમાનથી પંજાબના અમૃતસરમાં લાવવામાં આવશે.
નોર્થ અમેરિકન પંજાબ એસોસિએશન(એનએપીએ)ના કાર્યકારી નિર્દેશક સતનામ સિંહ ચહલના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસનાર ૧,૭૩૯ ભારતીયો અમેરિકાની ૯૫ જેલમાં બંધ છે. તેમની અમેરિકાના કસ્ટમ કે ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે.
ભારત મોકલવામાં આવનારાઓમાં સૌથી વધુ ૭૬ લોકો હરિયાણાના છે. જ્યારે પંજાબના ૫૬, ગુજરાતના ૧૨, ઉતર પ્રદેશના પાંચ, મહારાષ્ટ્રના ચાર, કેરળ, તેલંગાણા અને તમિલનાડુના બે-બે, આંધ્રપ્રદેશ અને ગોવાના એક-એક વ્યક્તિને પરત ભારત મોકલવામાં આવશે. એનએપીએના જણાવ્યા મુજબ, તેમાં ત્રણ મહિલાઓ અને હરિયાણાનો ૧૯ વર્ષનો એક કિશોર પણ સામેલ છે. આ લોકો સિવાય પણ જે લોકો હાલ પણ અમેરિકાની જેલમાં બંધ છે, તેમનું શું થશે, હાલ તેની પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
- Naren Patel