ટ્રમ્પનો આરોપ : ડબલ્યુએચઓ પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ…
USA : કોરોના વાઇરસ અને હોંગકોંગને લઈને ગુસ્સે ભરાયેલા અમેરિકાએ ચીનની સામે નવો મોરચો માંડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીને કબજો કર્યો હોવાનો આરોપ લગાવતાં આ યુએન આરોગ્ય સંસ્થાથી અમેરિકાના તમામ સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. તેમણે ચીનની સામે નવા પ્રતિબંધ પણ જાહેર કર્યા હતા. આમાં હોંગકોંગમાં વહીવટ માટે જવાબદાર ચીની અધિકારીઓના અમેરિકામાં આવાગમન પર પ્રતિબંધો લાગુ કરવાની સાથે કેટલીક છૂટછાટને ખતમ કરવાની જાહેરાત કરી છે.
ચીન પર તીખો હુમલો કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંદર્ભે ચીની અધિકારીઓએ વિશ્વ આરોગ્ય સંસ્થાને રિપોર્ટિંગની પોતાની જવાબદારીને નજરઅંદાજ કરી છે અને વિશ્વને ગેરમાર્ગે કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા પર દબાણ આણ્યું હતું.ચીનમાં પહેલી વાર થયેલી કોરોના વાઇરસની ઓળખ પછી અત્યાર સુધી લાખ્ખો લોકોનાં મોત થયાં છે અને બહુ ભારે આર્થિક નુકસાન થઈ ચૂક્યું છે.
વાઇટ હાઉસમાં ઉચ્ચ અધિકારીઓની સાથે મિડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે ચીન વિશ્વ આરોગ્ય સંસ્થાને માત્ર ચાર કરોડ ડોલરનો ફાળો આપે છે, જ્યારે અમેરિકા ૪૫ કરોડ ડોલરનો ફાળો આપે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વહીવટમાં સુધારાનો હવાલો આપતાં તેમણે કહ્યું હતું કે આ બાબતે જરૂરી સુધારાને લાગુ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અમારી વિનંતી પર કોઈએ ધ્યાન ના આપ્યું અને ના તો જરૂરી સુધારાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી., જેથી અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંસ્થાથી સબંધો ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
- Nilesh Patel