અમેરિકામાં વાયરસથી ૧૪ હજારથી વધુ લોકોનો ભોગ લેવાયો…
USA : અમેરિકામાં કોરોનાના પગલે ઓછામાં ઓછા ૧૧ ભારતીયો મોતને ભેટ્યા છે, જ્યારે ૧૬ ભારતીયોના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં કોરોનાના કારણે ૧૪૦૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૪ લાખ કરતાં વધુ લોકો કોરોના પોઝિટિવ છે.
અમેરિકામાં કોરોનાથી પીડિત તમામ ભારતીય નાગરિકો પુરૂષ છે. જેમાં ૧૦ ન્યૂયોર્ક અને ન્યૂજર્સી વિસ્તારમાં છે. પીડિતોમાંથી ૪ ન્યૂયોર્ક શહેરમાં ટેક્સી ચલાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ન્યૂયોર્ક સિટી અમેરિકામાં કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જ્યાં ૬૦૦૦થી વધુ લોકોના મોતને ભેટ્યા છે અને ૧,૩૮,૦૦૦ લોકો પોઝિટિવ છે. ન્યૂજર્સીમાં ૪૮૦૦૦ લોકો કોરોના પોઝિટિવ છે અને ૧૫૦૦ લોકો જીવલેણ વાઈરસના કારણે મોતને ભેટ્યા છે.
આ સિવાય એક ભારતીય નાગરિકનું પણ ફ્લોરિડામાં કોરોના વાઈરસના કારણે મોત થયુ છે. અધિકારીઓ કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં પણ કેટલાક ભારતીય મૂળના લોકોની નાગરિક્તાની તપાસ કરી રહ્યાં છે.
કોરોના પોઝિટિવ મળી આવેલ ૪ મહિલા સહિત ૧૬ ભારતીયો સેલ્ફ આઈસોલેટ છે. જેમાં ૮ ન્યૂયોર્કથી અને ત્રણ ન્યૂજર્સીમાંથી છે, જ્યારે બાકીના ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાંથી છે. આ તમામ લોકો ભારતના ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઈન્ડિયન હાઈકમિશન ભારતીય અમેરિકન સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યું છે. જેથી બારતીય નાગરિકો અને કોરોનાથી પ્રભાવિત વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડી શકાય.
અમેરિકામાં ૨ દિવસમાં ૪ હજારના મોત…
જીવલેણ કોરોના વાઈરસ આગળ વિશ્વના સુપર પાવર અમેરિકા લાચાર જોવા મળી રહ્યું છે. અમેરિકામાં સતત બીજા દિવસો પણ ૨૦૦૦ લોકો મોતને ભેટ્યાં છે. માત્ર ૨ દિવસમાં જ કોરોના વાઈરસે ૪૦૦૦ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં ૧૪૬૯૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
- Nilesh Patel