કેનબરા : ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસ મહામારી મામલે તપાસની માંગ કરી તેથી રોષે ભરાયેલું ચીન તેના વિરૂદ્ધ વ્યાપારને હથિયાર બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને ગુરૂવારે તેઓ ચીનની ધમકીઓથી ડરવાના નથી તે અર્થનું નિવેદન આપ્યું હતું.
ચીને છેલ્લા બે મહીના દરમિયાન ઓસ્ટ્રેલિયાને આર્થિક નુકસાન પહોંચાડે તેવા અનેક પગલાં ભર્યા છે. આ કારણે મોરિસનને સવાલ કરવામાં આવ્યો હતો કે, તેઓ પોતાના મહત્વના વ્યાપારિક ભાગીદાર ચીન દ્વારા નિકાસનું જે નુકસાન થઈ રહ્યું છે તેને કઈ રીતે સહન કરશે.
અમેરિકા અને યુરોપિયન દેશોની સાથે ઓસ્ટ્રેલિયાએ પણ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ફેલાવા મામલે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી હતી અને ગત મહીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વાર્ષિક બેઠકમાં મહામારીની તપાસના પક્ષમાં મતદાન પણ થયું હતું.