67 વર્ષીય ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડ જગત તેમજ તેમના દેશ-દુનિયાના ચાહકો આઘાતમાં સરી પડ્યા…
બોલિવૂડના ચાર્મિંગ બોય ઋષિ કપૂરનું ગુરુવારે સવારે એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લ્યુકેમિયાને પગલે દુઃખદ નિધન થયું હતું. 67 વર્ષના ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મરીન લાઈન્સ સ્થિત ચંદનવાડી સ્મશાન ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. પ્રવર્તમાન કાયદાની પરિસ્થિતિને પગલે પત્ની નીતું સિંહ, દીકરા રણબીર કપૂર તેમજ ભાઈ રણધીર કપૂર સહિત કરીના કપૂર, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અનિલ અંબાણી, રીમા જૈન, મનોજ જૈન, અરમાન જૈન, આદર જૈન, અનીષા જૈન, રાજીવ કપૂર સહિત પરિવારના તેમજ નિકટના જૂજ લોકોની હાજરીમાં જ ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગુરુવારે સવારે 8.45 કલાકે ઋષિ કપૂરનું નિધન થયું હતું. તેના નિધનને પગલે બોલિવૂડ જગત તેમજ તેમના દેશ અને દુનિયાના ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. બુધવારે ઈરાફાન ખાનનું નિધન થયું હોવાથી બે દિવસમાં બોલિવૂડને બીજો આઘાત લાગ્યો છે.
હોસ્પિટલમાંથી સીધા બપોરે 3.45 કલાકે ઋષિ કપૂરના પાર્થિવ શરીરને ચંદનવાડી ખાતે લાવવામાં આવ્યો હતો. ઋષિ કપૂરની દીકરી રિદ્ધીમા કપૂર દિલ્હીમાં હોવાથી તે પિતાના અંતિમ દર્શન માટે પહોંચી શકી નહતી. જોકે તેને લોકડાઉન વચ્ચે પણ દિલ્હીથી મુંબઈ મુસાફરી કરવા માટે મંજૂરી મળી હતી.
ઋષિ કપૂર તેમની પાછળ પત્ની નીતૂ કપૂર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રીધિમા કપૂરને વિલાપ કરતા છોડી ગયા છે. પરિવારજનોએ એક સંદેશમાં જણાવ્યું છે કે ઋષિ કપૂર હંમેશા હસમુખ રહ્યા હતા અને તેમણે અંતિમ સમયે પણ હોસ્પિટલમાં લોકોનું મનોરંજન કર્યું હતું. આ હસમુખો ચહેરો હવે આપણા વચ્ચેથી જતો રહ્યો છે.