આજે આઈસીસીની બોર્ડ બેઠકમાં આ મુદ્દો એજન્ડામાં હોવાથી તે અંગે નિર્ણય લેવાશેઃ પ્રવક્તા
દુબઇ : કોરોના વાયરસ વૈશ્વિક સ્તરે ફેલાયો હોવાથી ચાલુ વર્ષે આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ યોજાવાને આડે કાળા વાદળો ઘેરાયા છે. જો કે આઈસીસીએ હાલમાં આ ટુર્નામેન્ટને સ્થગિત કરવા અંગે કોઈ નિર્ણય નહીં કર્યો હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે.
આઈસીસીએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ક્રિકેટ ટી૨૦ વર્લ્ડ કપના આયોજન અંગે કોઈ નિર્ણય કરાયો નથી. ટુર્નામેન્ટ યોજવી કે નહીં તે અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવાયો નથી. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટુર્નામેન્ટની તૈયારીઓ તેના નિર્ધારિત કાર્યક્રમ મુજ જ ચાલી રહી છે. ચાલુ વર્ષે ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.
આઈસીસીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આજદિન સુધી ટી૨૦ વિશ્વ કપને સ્થગિત કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી અને ઓસ્ટ્રેલિયામાં યોજનારી ટુર્નામેન્ટ માટે તૈયારી તેના નિયત કાર્યક્રમ મુજબ ચાલી રહી છે. આ મુદ્દો ગુરુવારે આઈસીસીની યોજાનારી બોર્ડ બેઠકના એજન્ડામાં છે અને તેને લઈને કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
ચાલુ વર્ષે ૨૯ માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ કોરોના વાયરસની મહામારી વચ્ચે સ્થગિત રાખવાની ફરજ પડી હતી. બીસીસીઆઈએ આઈપીએલ ક્યારે યોજવી તે અંગે કોઈ નિર્ણય કર્યો નથી. આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ જો સ્થગિત રાખવામાં આવે છે તો તે જ ગાળામાં આઈપીએલનું આયોજન કરવામાં આવી શકે છે. બોર્ડના સૂત્રોએ જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસા બાદ આઈપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી શકે છે. ગુરુવારે આઈસીસી બોર્ડની બેઠકમાં ટી૨૦ વર્લ્ડકપને લઈને શું નિર્ણય આવે છે તેના પર બધું નિર્ભર રહે છે.