પટિયાલા હાઉસ કોર્ટે નવેસરથી ડેથવોરંટ બહાર પાડ્યું : ૨૦મીએ સવારે ૫.૩૦ વાગે ફાંસી…
ચારેય દોષિતો પાસે હવે બચવાના તમામ રસ્તાઓ બંધ. આ પહેલાં ત્રણ વાર ૨૨ જાન્યુઆરી, ૧ ફેબ્રુઆરી અને ૩ માર્ચનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યા હતા…
ન્યુ દિલ્હી : દિલ્હીના ચકચારી નિર્ભયા ગેંગરેપના ચાર દોષિત નરાધમોને ફાંસીએ લટકાવવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ચોથુ અને કદાચ આ કેસમાં છેલ્લુ ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ચારેય દોષિત અક્ષય, મુકેશ, પવન અને વિનયને ૨૦ માર્ચના રોજ સવારે ૫.૩૦ કલાકે તિહાર જેલમાં એક સાથે ફાંસીના માંચડે લટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૨૦૧૨માં સમગ્રે દેશમાં ભારે સનસનાટી અને ધ્રણા જગાવનાર આ કેસના દોષિતો સામે હવે બચવાના તમામ કાયદાકિય જોગવાઇઓ પૂરી થઇ ગઇ છે ત્યારે નિર્ભયાના પરિવારોને હવે એવી આશા જાગી છે કે ૨૦મીએ તો દોષિતોને ચોક્કસ ફાંસી થશે અને તેમની દિકરીની આત્માને અને પરિવારને મોડે મોડે પણ આખરે ન્યાય મળ્યાનો સંતોષ અને શાંતિ મળશે. કેમ કે પહેલુ ડેથ વોરંટ ૨૨ જાન્યુ.-૨૦૨૦ના રોજ બહાર પડ્યા બાદ દોષિતો બચવા માટે કાયદાકિય જોગવાઇઓનો લાભ લઇને ફાંસીને કાયદાની આંટીઘૂટીમાં ઉલઝાવવાનો પ્રયાસ કરતાં નિર્ભયાના પરિવારજનો અને સામાન્ય લોકોમાં ભારે નારાજગી પણ સર્જાઇ હતી. જો કે હવે ૨૦મીએ તમામ ચારેયને ફાંસીના માંચડેથી અટકાવતાં કોઇ રોકી શકે તેમ નથી, એમ પણ કાયદાકિય નિષ્ણાતો જણાવી રહ્યાં છે.
છેલ્લાં બે મહિનાથી કોર્ટ-ન્યાયક્ષેત્ર અને મિડિયા સહિત લોકોમાં ચર્ચાનો વિષય બનેલા નિર્ભયા કેસમાં આજે ફરી એકવાર નવેસરથી ડેથ વોરંટ જાહેર થયું હતું. એક દોષિત પવનની દયાની અરજી ફગાવ્યાં બાદ તેને ૧૪ દિવસનો સમય મળ્યો હોવાથી આ સમયગાળો પૂરો થયા બાદ ૨૦મીએ પવન સહિત અન્યોને પણ એક સાથે ફાંસીએ લટકાવી દેવામાં આવે તેમ છે.
કાયદાકીય વિકલ્પોનો કારણે બે મહિના સુધી ફાંસીથી બચતા નિર્ભયા કેસના ચારેય દોષિતોના દરેક કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે બુધવારે દોષી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી હતી. ત્યારપછી દિલ્હી સરકાર નવુ ડેથ જાહેર કરાવા માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. એડિશનલ જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિતોને નોટિસ જાહેર કરીને ગુરુવાર સુધી જવાબ માંગ્યો હતો. કોર્ટ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે ચારેય દોષિતોના અંતિમ ડેથ વોરન્ટ પર સહી કરીને જેલ સત્તાવાળાઓને મોકલી દેવામાં આવ્યો હતો. નિર્ભયાના પિતાએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે દોષિતોની ફાંસી પાછી નહીં ઠેલાય.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી બુધવારે ફગાવી દીધી હતી. તેની પાસે ફાંસીની સજાથી બચવા માટેનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે ક્યુરેટિવ પિટીશન નકારવામાં આવ્યાના તુરંત પછી પવને રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. આ આધાર પર ટ્રાયલ કોર્ટે દોષિતોની ફાંસી ત્રીજી વખત ટાળી દીધી હતી.