કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં નામ નોંધણી, નામ સુધારણા, નામ કમી તેમજ સ્થળ ફેરફાર સહિતની કામગીરી હાથ ધરાશે…
આણંદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ૦૧-૦૧-૨૦૨૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી. મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા, ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી, મતદારના કલર ફોટોગ્રાફ્સ મુકવા, ઇમેજ સુધારવી સહિત મતદાર યાદી શુધ્ધતા બાબતે સુધારો કરાવી શકાય છે.
નવીન મતદારોએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નંબર ૦૬, નામ સામે વાંધો લેવા અને રદ કરવા ફોર્મ નંબર ૦૭ તેમજ વિગતમાં સુધારો કરવા ફોર્મ નંબર ૦૮ અને નામ તબદીલ કરવા ૦૮-કમાં અરજી કરવાની રહેશે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. ૬/૧૨/૨૦૨૦ (રવિવાર) અને તા. ૧૩/૧૨/૨૦૨૦ (રવિવાર)ના રોજ સવારના ૧૦-૦૦ થી પ-૦૦ દરમિયાન સમગ્ર રાજય સહિત જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ખાસ ઉપસ્થિત રહેનાર છે.
જયાં મતદારો મતદાર યાદીની વિગતો ચકાસી શકશે તેમજ મતદાર યાદીમાં મતદાર તરીકે નામ નોંધણી કરાવવા માટે જરૂરી નિયત નમુનાનું ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.
આ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં આણંદ જિલ્લાના નાગરિકોને તેનો લાભ લઇને જિલ્લા વહીવટીતંત્રને સહકાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.