મુંબઈ : બોલીવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ‘મુકમ્મલ’ શિર્ષકવાળા એક સંગીત વિડિયો સાથે કલાજગતમાં પુનરાગમન કર્યું છે. એણે હાલમાં જ પોતાનો આ નવો સંગીત વિડિયો પત્રકારો સમક્ષ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે એણે કહ્યું કે, ‘આજકાલની ફિલ્મોના ગીતો બહુ ઓછા ચાલે છે, અને લોકોને યાદ પણ નથી રહેતા.’
આ મ્યુઝિક વિડિયોમાં અભિનય કરવા વિશેના સવાલના જવાબમાં ભાગ્યશ્રી પટવર્ધન-દાસાનીએ કહ્યું કે, ‘મને આ ગીત અને એનો કોન્સેપ્ટ બહુ ગમ્યો હતો. આ ગીત પહેલા પ્યાર વિશેનું છે અને મારી પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ પણ પહેલા પ્યાર વિશેની જ હતી. ક્યારેક એવો પ્યાર દરેક જણને એના ભૂતકાળ, બાળપણ અને એની જુવાનીના દિવસોની યાદ ફરી તાજી કરાવી દે છે.’
ભાગ્યશ્રીએ વધુમાં કહ્યું કે, ‘આજકાલ ઘણા ગીતો બની રહ્યા છે, પણ જૂના ગીતો જેવા એ નથી હોતા. જૂના ગીતોની ધૂન અને શબ્દો આપણને આજે પણ યાદ હોય છે. આજકાલની ફિલ્મોમાં જે ગીતો હોય છે એ લોકોને યાદ રહેતા નથી એટલે લાંબો સમય સુધી ટકતા નથી.’