આણંદ : 24 સપ્ટે, 2020ના રોજ રાષ્ટ્રભવન દિલ્લીથી વર્ચ્યુઅલ મોડના માધ્યમથી યોજાયેલા એક કાર્યક્રમમાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા યુનિયન મિનિસ્ટર કિરન રિજ્જુની મોજુદગીમાં રાષ્ટ્રીય સેવા યોજના વર્ષ 2018-19 નો એવોર્ડ ડોન બોસ્કો કોલેજ મોરમ (મિઝોરમ) ખાતે કાર્મેલાઈટ સિસ્ટર્સ ઓફ ચેરિટીમાં રહીને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આણંદના સિસ્ટર શ્વેતા વિલિયમભાઈ પરમારને એનાયત થતા સમાજ, ધર્મસભા તથા રાજ્ય માટે ગૌરવી ઘડીઓ ઉભી થઈ છે.
મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વિશિષ્ટ યોગદાન આપતી યુનિવર્સિટી,કોલેજ, એનેએસએસ યુનિટ તથા તેના પ્રોગ્રામ ઓફિસર કે વોલેન્ટીયર્સની પ્રવૃત્તિઓને બિરદાવવા માટે પ્રસ્તુત ખિતાબ આપે છે જે ચાલુ સાલે આણંદ પાધરીયા ખાતે નવજીવન કોલોનીમાં રહેતા સિસ્ટર શ્વેતા ને ફાળે જતા આણંદમાં આનંદ અને ગૌરવનું મોજું ફરી વળ્યું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે સી.શ્વેતા તથા તેમના NSS યુનિટને વર્ષ 2015માં મણિપુર ખાતે રાજયકક્ષાનો એવોર્ડ પણ મળી ચુક્યો છે ને તેણીના યુનિટ નેતૃત્વ હેઠળ ત્રણ રાષ્ટ્રીયકક્ષાના પુરસ્કારો પણ મળી ચુક્યા છે.