1 કરોડથી પણ વધુની લૂંટની ઘટના બનતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી…
આણંદ : આણંદમાં એક કરોડથી પણ વધારે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આણંદના 100 ફૂટ રોડ પર આવેલી બંધન બેન્કમાં લૂંટની ઘટના બની હતી. ત્રણ જેટલાં બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ છ જેટલાં કર્મચારીઓને બંધક બનાવીને સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો હતો. 1 કરોડથી પણ વધુની લૂંટની ઘટના બનતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, પહેલાં એ સવાલ થાય કે રવિવારના દિવસે બેંક કેવી રીતે ચાલુ હોય. તો તમને જણાવી દઈએ કે, આણંદની બંધન બેન્ક રવિવારના દિવસે પણ ચાલુ રહે છે. અને તેનો ફાયદો લુટારાઓએ ઉઠાવ્યો હતો. ત્રણ જેટલાં બુકાનીધારી લુટારાઓ બંદૂક અને ચપ્પા સાથે બેન્કમાં ઘુસી ગયા હતા. અને બેંકના કર્મચારીઓને બંધક બનાવી દઈને તેમને સીધા લોકર રૂમમાં લઈ ગયા હતા.
આ સમયે બે મહિલા અને બે પુરુષ કર્મચારીઓએ પ્રતિકાર કરતાં લુટારાઓએ તેમના પર હુમલો પણ કર્યો હતો. અને આ હુમલામાં ચારેય કર્મચારીઓને ઈજા પહોંચી હતી. લોકરમાંથી લુટારાઓ કેશ અને સોના સહિત અંદાજિત સવા એક કરોડથી પણ વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં, સીસીટીવીના આધારે કોઈને ખબર ન પડે તે માટે લુટારાઓ સીસીટીવી ફૂટેજનું ડીવીઆર પણ ચોરીને લઈ ગયા હતા.
લૂંટની ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર જિલ્લામાં તાબડતોડ નાકાબંધી કરી લુટારાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. તો લુટારાઓ સીસીટીવી ફૂટેજ લઈ જતાં પોલીસે આસપાસના સ્થળોએથી સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરવાની શરૂઆત કરી તપાસ આરંભી હતી. જો કે ધોળા દિવસે લૂંટની સનસનીખેજ ઘટના બનતાં આણંદ શહેરની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.