કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે : તેવા સમયે ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ રકતદાન કરી ઉમદા કાર્ય કર્યું…
આણંદ : કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે હેતુસાર જિલ્લા કલેકટરશ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારની પ્રેરણા અને માર્ગદર્શનથી આજે આણંદ ખાતેના ઉમા ભવન ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઇ. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.
આ રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે દરેક રકતદાતા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પ સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી નિવેદિતા ચૌધરીએ પણ ખાસ ઉપસ્થિત રહીને પ્રાથમિક શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ રકતદાન કેમ્પમાં જિલ્લાના ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.
- Jignesh Patel, Anand