આણંદ : કોરોના સંક્રમણ વચ્ચે ઘરફોડી-લૂંટ કરનાર તસ્કરોનો તરખાટ વધવા પામેલ છે, ત્યારે શહેરના ગ્રીડ ચોકડીથી બોરસદ ચોકડીને જોડતા રોડ પર ઠકકરવાડીની સામે શ્રી જલારામ મર્કન્ટાઇલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી આવેલી છે. જેમાં મેનેજિંગ ડિરેકટર તરીકે અતુલભાઇ પાવાગઢી સેવા આપે છે. ગુરૂવારે સોસાયટીમાં કામ કરતાં કર્મચારીઓ સાંજે સમય પુરો થતાં બંધ કરીને ઘરે ગયા હતા. જેની ચાવી સેવક હેમંતભાઇએ એમ.ડી અતુલભાઇને આપી હતી. શુક્રવારે સવારે સેવક હેમંતભાઇ એમ.ડીના ઘરેથી ચાવી લઇને ક્રેડિટ સોસાયટીમાં આવ્યા હતા. જે બાદ તેઓએ ઓફિસ ખોલતા માલુમ પડયું હતું કે ચોરી થઇ છે. જેથી તેઓએ એમ.ડી અતુલભાઇને જાણ કરી હતી તેઓ દોડી આવ્યા હતા. સોસાયટી તપાસ કરતાં તિજોરી માલસામાન વેરણછેરણ હતો.તિજોરીમાં મુકેલા રૂા ૧,૪૧,૪૦૮ની રોકડ રકમ ગાયબ હતી.
જેથી તેઓએ આણંદ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ તપાસ કરતાં તસ્કરો પાછળના ભાગે ઉપર ચઢીને દરવાજોનો નકુચો તોડી રકમ લઇ ગયા હોવાનું માલુમ પડતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.