મેડિકલ રિપોર્ટમાં શારિરીક સંબંધ સ્થાપિત થશે તો યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાશે…
યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાશે, જે આણંદના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે…
આણંદ : નવ દિવસ પહેલાં ૧૭ વર્ષીય સગીરને સાથે કામ કરતી ૨૨ વર્ષીય યુવતી ભગાડી જવાના કિસ્સામાં આંકલાવ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે બંને જણાને સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસે યુવતી અને યુવક બંનેના રિપોર્ટ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જો બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં ખૂલશે તો યુવતી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાશે, જે આણંદના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે.
આંકલાવ તાલુકાના રામપુરા ગામે ગાયત્રીબેન મગનભાઈ સોલંકી રહે છે. તેઓ આંકલાવની એક નર્સરીમાં કામ કરતી હતી, જ્યાં તે ૧૭ વર્ષીય સગીરના સંપર્કમાં આવી હતી. એ પછી પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને તેણે ગત પહેલી જૂનના રોજ સગીરને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગઈ હતી.
આ બનાવ સંદર્ભે પરિવારજનોની તપાસમાં સગીરને યુવતી ભગાડી ગઈ હોવાનું ખૂલતાં તેમણે ગાયત્રી સોલંકી વિરુદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બીજી તરફ પોલીસ દ્વારા બંનેના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલ અને લોકેશનના આધારે તે સુરતમાં હોવાનું ખૂલતાં પોલીસે બંનેને સુરતના વરાછામાંથી ઝડપી પાડ્યાં હતાં.
પોલીસ તપાસમાં યુવતી રૂપિયા સાતથી આઠ હજાર અને કિશોર પાંચ હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળી ગયાં હતાં. બંને જણા ઘર ભાડે રાખીને રહેતાં હતાં. યુવતી ઘરે જ હતી, જ્યારે સગીર છેલ્લા એક અઠવાડિયાથી નોકરી પર લાગ્યો હતો. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યાં છે.