આણંદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે પોલીસ દ્વારા હાથ ધરાઇ કામગીરી…
આણંદ : જિલ્લા તંત્ર સંક્રમણની ચેનને તોડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ઘરે સુરક્ષિત રહેવા અપીલ કરી રહ્યું છે. આ સાથે જ પોલીસ પણ જિલ્લાના મુખ્ય બજારોમાં નાગરિકોને જાગૃત કરવા પ્રયાસો કરી રહીં છે. મીડિયા દ્વારા આણંદના મુખ્ય ગંજ બજારની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, જિલ્લા પોલીસ દ્વારા સ્થાનિકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આણંદના DYSPએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં સંક્રમણની ચેનને ફેલાતી અટકાવવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી નાગરિકોએ પણ જાગૃત બની કામ વિના ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ.
આણંદ શહેર અને જિલ્લામાં ગુરુવારે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામા ભંગની 50થી વધુ ફરિયાદો હેઠળ 80થી વધુ શખ્સો વિરુદ્ધ કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ શહેર પોલીસ દ્વારા આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ કરતા 13 વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરમાં ભંગની કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાદરણ પોલીસ દ્વારા 1, ભાલેજ પોલીસ દ્વારા 1, બોરસદ શહેર પોલીસ દ્વારા 17, બોરસદ રૂરલ પોલીસ દ્વારા 1, ખંભાત શહેર પોલીસ દ્વારા 8, ખંભાત રૂરલ પોલીસ દ્વારા 5, ખંભોળજ પોલીસ દ્વારા 5, મહેળાવ પોલીસ દ્વારા 3, પેટલાદ શહેર પોલીસ દ્વારા 16,તારાપુર પોલીસ દ્વારા 5, ઉમરેઠ પોલીસ દ્વારા 5, વાસદ પોલીસ દ્વારા 2, અને વિદ્યાનગર પોલીસ દ્વારા 8, જુદી જુદી ફરીયાદો હેઠળ જાહેરનામાનો ભંગ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ઘરની નજીકમાંથી ખરીદી કરવી જોઈએ તથા મહામારી સામેની લડતમાં ઘરમાં રહી પોતાનું યોગદાન આપવું જોઈએ. આ ઉપરાંત સ્થાનિકોએ જાગૃત બની તેમના આસપાસના વિસ્તારમાં બહારથી આવેલી અજ્ઞાત વ્યક્તિની માહિતી તંત્રને આપવી જોઈએ.