યુવા મતદારો મતદાન કરી અન્યોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડે : જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ
ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ કરવામાં આવી : મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે…
આણંદ : આણંદ જિલ્લાના મુખ્ય મથક આણંદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર
શ્રી આર. જી. ગોહિલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે ભારત જેવા દુનિયાના સૌથી મોટા લોકશાહી ધરાવતા દેશમાં લોકતંત્રની જીત ત્યારે જ થાય જયારે સૌ મતદારો તેમની પવિત્ર ફરજ નિભાવે તેમ જણાવી લોકશાહીના મજબૂત પાયા સમાન ચૂંટણીના સમયે યુવા મતદારોને મતદાન કરી અન્યોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડવા કહ્યું હતું.
શ્રી ગોહિલે લોકશાહીનો પાયો એટલે ચૂંટણી. લોકશાહી સર્વશ્રેષ્ઠ શાસન પધ્ધતિ. આપણી સાથે આઝાદ થયેલો દેશોમાં મજબૂત લોકશાહી ન હોવાને કારણે સમયાંતરે ત્યાં બળવા થતાં રહે છે. જયારે આપણા દેશમાં મજબૂત લોકશાહી અને વિશ્વની બીજા નંબરની જનસંખ્યા ધરાવતો દેશ હોવા છતાં ભારતના જાગૃત મતદારોને કારણે દેશ આઝાદ થયાના ૭૩મા વર્ષે પણ દેશમાં એકતા છે જેમાં પાયાનો પથ્થર મતદાર છે. મતદારોને મતદાન કરવાનો સમાન અધિકાર આપ્યો છે. એમાં કોઇ ભેદભાવ ન હોવાનું જણાવી મતદાન કરનાર મતદાતાના મતનું મૂલ્ય એકસરખું હોવાનું જણાવ્યું હતું.
શ્રી ગોહિલે લોકશાહીની વ્યાખ્યાની સમજ આપી ભારતીય લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓને પોતાના મતાધિકારનો સો ટકા ઉપયોગ કરી પવિત્ર લોકશાહીને જીવંત રાખવાનો અનુરોધ કર્યો છે.
શ્રી ગોહિલે યુવા મતદાતાઓને મતદાનની કિંમત સમજાવતાં ભારતમાં એક એવી લોકશાહી પ્રણાલિ છે જેનો દિપક આજે પણ પ્રજજવલિત છે. લોકશાહી એક એવી શાસન પધ્ધતિ છે જે દુનિયાની શ્રેષ્ઠ પધ્ધતિ છે જેમાં સત્તાનો મુખ્ય આધારસ્થંભ પ્રજા છે. જેમાં દરેકને અભિવ્યકિત, સ્વતંત્રતા, વ્યકતિ સ્વતંત્રતાનો અધિકાર છે જે દુનિયામાં સર્વશ્રેષ્ઠ શાસન પ્ધ્ધતિ છે જેનું આપણે સૌ ભારતીયોને ગૌરવ હોવાનું જણાવ્યું હતું.
૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી અંતર્ગત આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં nvsp.in , voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર.૨૧ દરમ્યાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ ફોર્મ નં.૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ હશે, તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર nvsp પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
ભારતના લોકશાહી તંત્રમાં મહાપર્વ સમાન લોકતાંત્રિક રીતે યોજાતી ચૂંટણીઓમાં ભારતનો દરેક નાગરિક બંધારણીય રીતે પોતાને પ્રાપ્ત થયેલ મતદાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોવું જરૂરી છે. આ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર.૨૦ મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જિલ્લાના જે અધિકારી-કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી તેવા અધિકારી-કર્મચારીઓનું જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
તદ્અનુસાર જિલ્લા કક્ષાએ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયા, ૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે આણંદ(ગ્રામ્ય) મામલતદાર શ્રી આર. બી. પરમાર, ૧૧૪-સોજિત્રા વિભાનસભા મતવિભાગમાં બેસ્ટ નાયબ મામલતદાર તરીકે મતદારયાદીના નાયબ મામલતદાર શ્રી ડી. જી. રાઠોડ, ૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગમાં બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે બોરિયાવી કુમારશાળાના મદદનીશ શિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ અને ૧૧૨-આણંદ વિધાનસભા મતવિભાગમાં બી.એલ.ઓ. તરીકે મદદનીશ શિક્ષક શ્રી જે. યુ. વસાવાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નવા નોંધાયેલ પાંચ યુવા મતદારોને જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના હસ્તે બેઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવાના તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલ, નાયબ ચૂંટણી અધિકારી શ્રી ગઢવી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયા, મામલતદારશ્રી, અને યુવા મતદારો હાજર રહ્યા હતા.