હિંમત ભર્યા પગલાંને પરિણામે આજે સાચા અર્થમાં ભારતવાસીઓનું કાશ્મીર થી કન્યા કુમારી સુધી એક અને અખંડ ભારતનું સ્વપ્ન મૂર્તિમંત થયું
ઉદ્યોગ, સેવા, કૃષિ ત્રણેય ક્ષેત્રોમાં ગુજરાતે સમતોલ વિકાસની પરિભાષા દેશ અને દુનિયાને દેખાડી છે
કોરોના સામે ગુજરાત સરકારે બાથભીડીને રાજ્યના લોકોની પડખે ઉભા રહીને વિકાસની ગતિને બરકરાર રાખી છે – શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શિક્ષણમંત્રીશ્રીના હસ્તે આણંદ જિલ્લાના કોરોના વોરિયર્સનું સન્માન કરાયું…
આણંદ : રાજ્યનાં શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી જણાવ્યું કે, ગુજરાત સરકારે કોરોના સામે સાચા અર્થમાં બાથભીડીને રાજ્યનાં લોકોની પડખે ઉભા રહેવાની સાથે વિકાસની ગતિ પણ બરકરાર રાખી છે. આપતિઓને અવસરમાં પલટાવવાની ગુજરાતની પ્રજાની આગવી ઓળખ રહી છે.
શ્રી ભુપેન્દ્રસિહં ચુડાસમાએ ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ ૧૯મી માર્ચે નોંધાયો ત્યારે નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પરિસ્થિતિને પામી જઈને ગણતરીના દિવસોમાં ૨૨૦૦ બેડની ક્ષમતા વાળી ડેડીકેટ કોવિડ-૧૯ હોસ્પિટલો ઉભી કરવામાં આવી તેમ જણાવી પ્રત્યેક જિલ્લામાં ૧૦૦ બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ પણ કાર્યરત કરી હતી તેમ જણાવ્યું હતું. શ્રી ચુડાસમાએ સરકારના સજાગ પ્રયાસોથી આજે મૃત્યુદરમાં નોંધ પાત્ર ઘટાડો નોંધાયો છે અને ગુજરાતનો રિકવરી રેટ ૭૭ ટકાએ પહોંચ્યો છે તેમ કહી રાજ્ય સરકારની કોરોના સામેની કામગીરી અને વ્યવસ્થાપનની સકારાત્મક નોંધ સુપ્રિમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, નિતિ આયોગ અને એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદિપ ઝોલેરિયા દ્વારા લેવામાં આવી હતી તેમ કહ્યું હતું.
મંત્રી શ્રીએ ગુજરાતની ૮૦ ટકા જનતાને વિનામૂલ્યે અનાજ પાડ્યું તેમજ લોકડાઉનમાં રહેલા નાના વ્યવસાયકારો માટે રૂા.૧૪ હજાર કરોડનું આર્થિક સહાય પેકેજ પણ આપ્યું જેનાથી લાખો લોકોનું આર્થિક સશક્તિ કરણ થઈ રહ્યું છે આ ઉપરાંત ૩૮ લાખ ખેડૂતો પાસેથી મગફળી, કપાસ, ચણા, તુવેરદાળ અને રાયડાની ખેત પેદાશોનું ૩૨ લાખ ટન કરતા વધારે રૂા.૧૫૯૦૦ કરોડના ખર્ચથી ટેકાના ભાવે ખરીદી કરી છે તેમ ઉમેર્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ ગુજરાતમાં અવિરત વીજ પ્રવાહના વિતરણની વિગતો આપતા જણાવ્યું કે, સોલાર પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ૩૦ હજાર મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ કહી ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે પહેલા ઉત્પાદન પછી મંજૂરી દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતને સુરક્ષિત રાખવા ટેક્નોલોજીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.
શ્રી ચુડાસમાએ પ્રત્યેક ગામડાનાં પ્રત્યેક પરિવારને ૧૦૦ દિવસની રોજી અને મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ કરી ગુજરાતની જનતાનો વિશ્વાસ વધાર્યો છે આ અંગે વિસ્તૃત વિગતો આપતા તેમણે ઉમેર્યું કે આજે ગુજરાત નિકાસમાં ૭૯ ટકા, પેટ્રોલિયમ નિકાસમાં પ્રથમ સ્થાને, ઓર્ગેનિક કેમિકલમાં પ્રથમ, પ્લાસ્ટીક રો-મટિરિયલમાં પ્રથમ, કૃષિ રસાયણોના વિકાસમાં પ્રથમ સાથે જ સૌથી મોટા ઓટોમોબાઈલ હબની સાથે પેસેન્જર વાહનોની નિકાસમાં પણ ગુજરાત પ્રથમ સ્થાને છે. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગુજરાત દેશનું એલ.એન.જી. કેપિટલ તરીકે ઓળખાય છે જ્યારે ઓદ્યોગિક પી.એન.જી. જોડાણોમાં પણ ગુજરાત અગ્રેસર છે તેમ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીશ્રીએ દેશમાં હિંમતભર્યા પગલાંઓને પરિણામે સાચા અર્થમાં ભારતવાસીઓનું કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું એક અને અખંડભારતનાં સ્વપ્નને મૂર્તિમંત કરવા બદલ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરતા જણાવ્યું કે આજે આપણા દેશની આગવી અને સન્માનીય ઓળખ વિશ્વમાં ઉભી થઈ છે અને તે બન્યું ૩૭૦ની કલમ દૂર કરવાના કાર્યથી. દેશ એક અને અખંડ બન્યો જેથી સરદાર પટેલ સાહેબનું સ્વપ્ન પણ પૂર્ણ થયું હોવાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ગુજરાત એટલે વિકાસનો પર્યાય. ગુજરાતની નિર્ણાયક સરકારે જનસેવાના ૧૪૬૦ દિવસમાં ૧૫૦૦ જેટલા જનહિતનાં નિર્ણયો લીધા છે તેમ વધુમાં જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કોરોનાની મહામારી દરમિયાન જિલ્લામાં પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત રાતદિવસ દર્દીઓની તેમજ નાગરીકોના આરોગ્યની સુખાકારી અને સુરક્ષા માટે મહત્વનું યોગદાન આપનાર ૨૦ કોરોના વોરિયર્સનું પ્રમાણ પત્ર અને ૩ કોરોના મુક્ત થયેલ દર્દીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી લાલસિંહજી વડોદિયા, પૂર્વ મંત્રી શ્રી રોહિતભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય
શ્રી ગોવિંદભાઈ પરમાર, આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજીયન, અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.સી. ઠાકોર, અગ્રણી શ્રી મહેશભાઈ પટેલ, શ્રી અંબાલાલ રોહિત, શ્રી સી.ડી. પટેલ, પ્રાંત અધિકારી શ્રી જે.સી. દલાલ, પુરવઠા અધિકારી શ્રી બામણીયા, ડી.આર.ડીએના નિયામક શ્રી ખાંટ, ડી.વાય. એસ.પી શ્રી જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારી, મામલતદાર શ્રી કેતન રાઠોડ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને કોરોના વોરિયર્સ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.