-
કોરોના સક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે….
-
ગામમાં આશરે ૨૦થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે…
-
વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે…
આણંદ : ગામડાઓમાં કોરોના સંક્રમણ વધવા પર ગ્રામજનો ખુદ જ જાગૃત થઈને બચાવ માટેના નિર્ણયો લેવા લાગ્યા છે. આણંદ જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં અચાનક વધારો થતાં ૩ ગામની ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લૉકડાઉન લાગૂ કરી દીધુ છે.
જિલ્લાના પેટલાદ તાલુકાના સીમરડા, સોજિત્રા તાલુકાનું પીપલાવ અને બોરસદ તાલુકાના વિરસદ ગામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાના કારણે ગ્રામજોને સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. જેનો તમામ વેપારીઓ પણ સમર્થન કરી રહ્યાં છે.
અગાઉ પીપલાવ ગામની ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું હતુ, પરંતુ લોકો સરેઆમ તેનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. જેના પરિણામે ગામમાં કોરોના સંક્રમણનો ગ્રાફ ઉચકાવા લાગ્યો હતો. આખરે ગ્રામ પંચાયતે તમામ ગ્રામજનો અને વેપારીઓ સાથે બેઠક કરીને સખ્ત લૉકડાઉન લાગૂ કરી દીધુ છે. જેમાં ગામમાં સવારે ૧૨ વાગ્યા સુધી લોકોને વેપાર-ધંધાની છૂટ આપવામાં આવી છે. આ લૉકડાઉનની જાણકારી પોલીસ વહીવટી તંત્રને પણ આપી દેવામાં આવી છે. જેથી જો કોઈ ગ્રામ પંચાયતના નિર્ણયનું ઉલ્લંઘન કરે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આણંદના બોરસદ તાલુકાના વિરસદ ગામે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ૧૫ દિવસથી વધતા કોરોનાના કેસને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૫થી ૩૧ માર્ચ સુધી ૭ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. ગામમાં ૪૦ જેટલા પોઝિટિવ કેસો નોંધાતા લોકડાઉન જાહેર કરાયું છે. મેડિકલ ઓફિસર, ગ્રામજનો, વેપારીઓએ સર્વસંમતીથી સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે. સવારે ૭થી ૧ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવશે. એ બાદ આખો દિવસ અને રાત લોકડાઉન રહેશે. ગામમાં વેક્સિનેશન પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલા લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે.