આજરોજ શહેરમાં નવા પ પોઝીટીવ કેસો જ્યારે જીટોડિયા-પેટલાદ-બોરસદ અને ઉમરેઠમાં પણ ૧-૧ કેસો નોંધાયા…
આણંદ : શહેર સહિત જિલ્લામાં રોજે-રોજ વધતા કેસોને લઈ લોકોમાં ચિંતાજનક વાતાવરણ સર્જાવા પામ્યું છે, જેને લઈ પાલિકા પ્રમુખ દ્વારા સાંજે ૪ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે નિર્ણયનો વેપારીમિત્રોએ પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આજરોજ શહેરમાં નવા પ પોઝીટીવ કેસો જ્યારે જીટોડિયા-પેટલાદ-બોરસદ અને ઉમરેઠમાં પણ ૧-૧ કેસો નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના અમુલ ડેરી રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલપંપની સામે રહેતા સેવુમલ વીજુમલ ખીલાની (ઉ. વ. ૬૨), નુતનનગર સોસાયટીમાં રહેતા મેમણ શરીફાબેન નુરમહંમદ (૬૨), પાણીની ટાંકી પાસે રહેતા વ્હોરા આરીફ ગુલામભાઈ (૫૪), સહયોગ કોલોનીમાં રહેતા વ્હોરા ઈરફાનાબેન ઐયુબભાઈ (૪૯) અને ઈસ્માઈલનગરમાં રહેતા વ્હોરા ઈરફાનભાઈ ઐયુબભાઈ (૩૦)નો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત આણંદ નજીક આવેલા જીટોડીયા ગામના મોટુ અડધમાં રહેતા નીકુંજ કૌશિકકુમાર ભટ્ટ (૨૯), સાંકળી નળી, શીલી વગો, ઉમરેઠ ખાતે રહેતા શૈલેષભાઈ કાન્તીલાલ પારેખ (૩૮), પેટલાદની રણછોડજી સોસાયટીમાં રહેતા દશરથભાઈ રઈજીભાઈ શર્મા (૬૩) અને બોરસદ ભગીની સેવા સમાજ પાસે રહેતા પઠાણ રૂક્સાના સમીઉલ્લાખાન (૬૦)નો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય, પાલિકા અને પોલીસની ટીમોએ ઉક્ત સ્થળોએ ઘસી જઈને સમગ્ર વિસ્તારોને સેનેટાઈઝ કરી દઈને આ વિસ્તારો સીલ કરી દઈને મેડીકલ સર્વે હાથ ઘરવામાં આવ્યો છે. આજે જે નવ પોઝિટિવ કેસો આવ્યા છે તેમાંથી ચારને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં તેમજ પાંચને વડોદરાની એમએમસી હોસ્પીટલમાં આઈસોલેટ કરીને સારવા કરવામાં આવી રહી છે. જે રીતે આણંદ શહેરમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે તે જોતાં આણંદ શહેર લોકડાઉન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વહિવટીતંત્ર દ્વારા જો તાકીદના પગલાં ભરીને કડક નિયંત્રણો નહીં લાદે તો આગામી સમયમાં આણંદ શહેર કોરોના સંક્રમિત થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે.