Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષની વ્યકિતઓને વેકિસનેશનનો પ્રારંભ…

દંતાલીના સચ્ચિયદાનંદ આશ્રમના ૮૯ વર્ષીય મહંત શ્રી સચ્ચિદાનંદ સ્વામીએ રસી મૂકાવી આપ્યો‍ પ્રેરક સંદેશ…

આણંદ : ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આણંદ જિલ્‍લામાં આજે તા. ૧લી માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્‍યકિતઓને તેમજ ૪૫ થી ૬૦ વર્ષની વચ્‍ચે જે કે જેઓને હૃદય, કિડની, કેન્‍સર, સિકલસેલ, એનેમિયા, બ્‍લડપ્રેસર, ડાયાબિટીસ, ફેકસા રોગ, લિવરની તકલીફ જેવી ગંભીર બિમારીઓ ધરાવતા હોય તેઓ માટે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ  અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ રસીકરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હોવાનું મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ  જણાવ્‍યું છે.

આણંદ જિલ્‍લામાં આજથી આ રસીકરણનો પ્રારંભ થતાં પેટલાદ ખાતેની એસ. એસ. હોસ્‍પિટલમાં પેટલાદ તાલુકાના દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષિય મહંત શ્રી સચ્‍ચિદાનંદજી સ્‍વામીએ રસી મૂકાવીને  જિલ્‍લાના નાગરિકોને પ્રેરક સંદેશો પાઠવ્‍યો હતો.

રસી મૂકાવ્‍યા બાદ મહંત શ્રી સચ્‍ચિદાનંદજી સ્‍વામીએ નાગરિકોને કોરોનાની આ મહામારીના પ્રકોપ ચાલી રહ્યો છે જેનાથી આખી દુનિયા ત્રસ્‍ત છે ત્‍યારે તેની સામે સફળ થવા માટે સરકાર તરફથી રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્‍યું છે. આપણી રસી આખી દુનિયામાં વખણાય છે અને તેનો પ્રચાર થઇ રહ્યો છે અને તેનો ઉપયોગ થઇ રહ્યો છે ત્‍યારે મારાથી શરૂઆત થતા મારૂં સદ્દભાગ્‍ય સમજું છું અને જેમ મેં રસી મૂકાવી છે તેમ તમે પણ રસી મૂકાવો અને આ કોરોનાની આ મહામારીમાંથી બચવાનો પ્રયાસ કરી તેના ઉપાયમાં સાથ આપવા અપીલ કરી છે.

જિલ્‍લામાં આજથી શરૂ થયેલ રસીકરણની વિગતો આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્‍યું કે, હાલ જિલ્‍લામાં ૭૬ સરકારી દવાખાનાઓમાં  અને ૧૧ ખાનગી હોસ્‍પિટલોમાં રસીની કામગીરી કરવામાં આવે છે. આગામી તા. ૪થી સુધીમાં વધુ ૧૪૩ હેલ્‍થ સેન્‍ટરો  અને તા. ૮મી સુધીમાં વધુ ૫૦ મળી જિલ્‍લામાં કુલ ૨૭૦થી વધુ સરકારી દવાખાનાઓ (સિવિલ હોસ્‍પિટલ આણંદ અને પેટલાદ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્ર અને અર્બન હેલ્‍થ સેન્‍ટર)માં રસીકરણ શરૂ કરવામાં આવશે. જે એક માસ સુધી ચાલશે.

તેમણે વધુમાં સરકારી હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે કોવિડ-૧૯ની રસી આપવામાં આવશે. જયારે ખાનગી હોસ્‍પિટલોમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવ્‍યા મુજબ રૂા. ૨૫૦/- ચાર્જ લઇ રસી મૂકવામાં આવનાર હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

કોંગ્રેસ પક્ષથી નારાજ ખંભાતના ધારાસભ્ય હવે પુનઃ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટી સહિત ગુજરાતની ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે

Charotar Sandesh

ઉમરેઠમાં પોસ્ટલ બેલેટને લઇ થઇ ભાંજગઢ

Charotar Sandesh