૩૧ નોકરીદાતાઓ પસંદગી માટે હાજર રહ્યા : નોકરીદાતાઓએ ૭૫૦ જેટલી ખાલી જગ્યાઓ માટે યુવક-યુવતીઓના ઇન્ટરવ્યુ લીધા…
આણંદ : આજે શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવર્સિટી રોજગાર અને માહિતી કેન્દ્ર વલ્લભવિધાનગર આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના સ્ટેશન રોડ પર આવેલ, સેન્ટ સ્ટિફન ઓફ બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના આઇ.પી.મિશન કંપાઉન્ડમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ હતી.
નાયબ કલેક્ટર શ્રી આઇ.એચ. પંચાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ રોજગાર ભરતીમેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનો જિલ્લાના રોજગાર વાંચ્છુ યુવક-યુવતીઓએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો.
નાયબ કલેકટરશ્રીએ રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર આવા ભરતીમેળા યોજીને ગામના છેવાડાના રોજગારવાંચ્છુઓ સુધી રોજગારી પહોંચાડવાના ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યુ હતુ.
શ્રી પંચાલે ઉપસ્થિત યુવક-યુવતીઓને સખત મહેનત અને ધીરજ રાખીને કારકિર્દી ધડવા તેમજ ધાર્યુ લક્ષ્ય હાંસલ કરવાની શીખ આપી હતી.
શ્રી પંચાલે સ્વઅનુભાવો દ્વારા ઉપસ્થિત રોજગાર વાંચ્છુઓને સરકારી નોકરી મેળવવા માટે માર્ગદર્શન પુરૂ પાડી જોબ સીકર ન બનતા જોબ ગીવર બનવા સૂચન કર્યુ હતુ.
નાયબ કલેક્ટરશ્રીએ મેળામાં ઉપસ્થિત યુવક-યુવતીઓને મેળામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન પાઠવી મેળામાં પ્રાથમિક પસંદગી ન થાય તો સતત પ્રયત્નશીલ રહેવા કહ્યુ હતુ.
આજે યોજાયેલ ભરતીમેળામાં આણંદ તેમજ રાજ્યની વિવિધ કંપનીઓના ૩૧ નોકરીદાતાઓ દ્વારા ૭૫૦ જેટલી ખાલી જગ્યાઓ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
આ મળામાં રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓએ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને ઇન્ટરવ્યુ આપ્યા હતા અને કંપનીઓ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા યુવક-યુવતીઓની રોજગારી માટે પ્રાથમિક પંસદગી કરવામાં આવી હતી.
આ મેળામાં પેટલાદની યુવતી તહેસીન શેખે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યુ કે મેં જિલ્લા રોજગાર કચેરીમાં નોંધણી કરાવી હતી અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા પત્ર મોકલીને મને આજના ભરતી મેળાની જાણ કરવામાં આવતા હું આજે યોજાયેલ ભરતી મેળામાં રૂબરૂ મુલાકાત આપી નોકરી મેળવવા માટે દોડી આવી હતી . આજે બોરસદમાં આવેલી રોબર્ટ મિશન હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ પોસ્ટ માટે મારી પ્રાથમિક પસંદગી થઇ છે જે માટે હું જિલ્લા રોજગાર કચેરી તેમજ ગુજરાત સરકારનો હ્યદયપુર્વક આભાર વ્યક્ત કરુ છું.
આજે યોજાયેલ ભરતીમેળામાં ખંભાતની શાહીમાબાનુ વ્હોરાએ પોતાની પ્રાથમિક પસંદગી બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ ભરતીમેળાની જાણ મને પત્ર દ્વારા થયા બાદ નોકરી મેળવવા માટે આ ભરતી મેળામાં મેં ભાગ લીધો હતો અને ઉમ્મીદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા આણંદમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં પીડીત મહિલાઓને સહાનુભૂતિ આપી તેમના કેસની નોંધણી કરવા માટે મારી કેસ વર્કર તરીકે પ્રાથમિક પસંદગી થઇ છે જે માટે હું જિલ્લા રોજગાર કચેરી તેમજ સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.
આ ભરતીમેળામાં વડોદરાના રોજગાર નાયબ નિયામકશ્રી ડી.કે.ભટ્ટ, આણંદ ઇન્ચાર્જ રોજગાર અધિકારી શ્રી આર.એલ.પરમાર અને મહિલા આઇ.ટી.આઇ.ના આચાર્ય શ્રી પી.ડી.પરમાર તેમજ મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ તેમજ વિવિધ કંપનીઓમાંથી નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.