આણંદ : જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા કોરોના સંક્રમણ વધે નહીં તે માટે લોકોને માસ્ક પહેરીને જ બહાર નીકળવા અને સોસિયલ ડિસ્ટન્સ રાખવા માટે વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતા જે લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળી રહ્યાં છે, તેમની માટે જિલ્લા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધી જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનાર કુલ ૪૦૬૪ નાગરિકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રત્યેક નાગરિકો પાસેથી ૨૦૦ રૂપિયા લેખે રૂપિયા ૮,૧૨,૮૦૦ લાખ દંડની રકમ પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવી છે. જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નાગરિકોએ પોતાની સુરક્ષા અને સંક્રમણને વધતું અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. તે માટે જિલ્લા પોલીસ, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર નાગરિકોમાં જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેમજ અન્ય સામાજિક સંસ્થા દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.