શ્રીનગરમાં સેના-આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર…
ચાલુ વર્ષે સેનાએ અત્યાર સુધી કુલ ૧૮૦ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા…
શ્રીનગર : હાલનાં દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પોતાનો જીવ બચાવવા મથી રહ્યા છે. સુરક્ષા દળોએ સોમવારે શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આમાંનો એક પાકિસ્તાનનો વતની અને લશ્કર-એ-તૈયબાનો ટોચના કમાન્ડર સૈફુલ્લા દાનાઆલી હતો. માર્યો ગયેલો બીજો આતંકવાદી ઇરશાદ પુલવામા છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે છેલ્લા પાંચ દિવસમાં ચાર ઓપરેશનમાં ૧૦ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ૧ શરણે આવ્યો છે.
શ્રીનગરના ઓલ્ડ બાર્જુલ્લા વિસ્તારમાં સુરક્ષા બળો સાથેની એન્કાઉન્ટરમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી બાદ સુરક્ષા દળોએ સોમવારે વહેલી તકે શહેરના ઓલ્ડ બાર્જુલ્લા વિસ્તારમાં ઘેરોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સવારે લગભગ આઠ વાગ્યે જ્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જે પછી ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
જમ્મુ-કાશ્મીર ડીજીપીના જણાવ્યા મુજબ આ વર્ષે ૭૫ સફળ ઓપરેશનમાં ૧૮૦ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આ સિવાય ૧૩૮ આતંકીઓ અને તેમના સાથીઓને ઝડપી લેવામાં આવ્યા.