મંદિરમાં દર્શનનો લાભ ઉઠાવી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી…
ગાંધીનગર : કોરોના મહામારીના પગલે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત રાજયના પાટનગર ગાંધીનગરના પણ મંદિરો જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે કોરોના સંક્રમણનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો હોવાથી સરકારના કડક નિયમો વચ્ચે આજથી ગાંધીનગરના પંચદેવ, ધોળેશ્વર મહાદેવ તેમજ ગાયત્રી મંદિર સહિતના નાના મોટા મંદિરોના દરવાજા ખોલી દેવામાં આવતા ભાવિ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિરોમાં ૫૦થી વધુ ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે સ્વયંસેવકોને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ઉપરાંત મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે ફરજીયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સીની અમલવારી કરાવવા માટેની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર બાદ લગભગ ૬૧ દિવસ પછી ગાંધીનગરના મંદિરો ખુલતા ભાવિ ભક્તો મા પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલા પાંડવો વખતના પૌરાણિક મહત્ત્વ ધરાવતા ધોળેશ્વર મહાદેવ મંદિરમાં આજ સવારથી ભગવાન શિવના દર્શન માટે દર્શનાર્થીઓ આવી ચડ્યા હતા. મંદિરના પ્રવેશ દ્વાર પર જ સેનેટાઈજેશન કર્યા પછી દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. બીજ તરફ મંદિરમાં ભીડ એકઠી થાય ન તે માટે પોલીસ પોઇન્ટ તેમજ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને દર્શનાર્થીઓને સૂચનો પણ કરવામાં આવતા હતા. વહેલી સવારથી મંદિરના દ્વારા ખોલવામાં આવતા દર્શનાર્થીઓ પણ કોરોના ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરવા આવી રહ્યાં હતા. આ અંગે મંદિરમાં દર્શનાર્થે આવેલા મુકેશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં મંદિરમાં ભગવાનના દર્શન કરવા પર પાબંધી હતી. પણ આજે મંદિરના દ્વાર ખોલવામાં આવતા મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યો છું.