મોટાભાગના રાજ્યો લોકડાઉન હટાવવાની તરફેણમાં : કન્ટેન્મેન્ટ ઝોન સિવાય બધા સ્થળે છૂટછાટ આપવા તૈયારી…
અર્થતંત્રને વેગ આપવા સરકારની પ્રાથમિકતા : રાજ્યો લોકડાઉન લંબાવવા નથી માંગતા…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વધુ મીટીંગ કરી રહ્યા છે. જેમાં ૧૭મી મે પછીની રણનીતિ પર ચર્ચા થશે. તે દિવસે લોકડાઉનના ત્રીજા તબક્કાની સમાપ્તી થવાની છે. સીએમ સાથે મીટીંગ બાદ આવતા બે ત્રણ દિવસ સુધીમાં આગળની રણનીતિને અંતિમ ઓપ આપી દેવાશે. શનિવારે કે રવિવારે વડાપ્રધાન દેશને ફરી સંબોધન કરી શકે છે. કોરોના પર તેમનુ આ ચોથુ સંબોધન હશે. દરમિયાન આવતા સપ્તાહથી લોકડાઉનમાં રાહત મળવાની સંભાવના છે. સરકાર વધુ છૂટછાટો આપવાનુ મન બનાવી રહી છે અને તેનુ માળખુ આ બેઠકમાં નક્કી થઈ જશે.
અત્રે નોંધનીય છે કે રેલ્વે શરૂ થતા છૂટછાટની આશા જીવંત બની છે. આજની મીટીંગમાં તમામ મુખ્યમંત્રીઓને પોતાના વિચાર રાખવા જણાવાયુ છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ છૂટ આપવાની તૈયારી રહી હોવાનું પણ જાણવા મળે છે. આજની બેઠકમાં પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ સામેલ થશે. ૪થી મે થી શરૂ થયેલ લોકડાઉનના ત્રીજા ચરણમાં સરકારે ગ્રીન અને ઓરેન્જ ઝોનવાળા વિસ્તારોમાં મોટાભાગની છૂટછાટો આપી છે. આ છૂટ બાદ જો કે કેસ વધ્યા છે આમ છતા કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો સુધી એક વાત સ્પષ્ટ બની છે કે આપણે કોરોના સાથે જીવવાનુ શીખી લેવુ પડશે. લોકડાઉનથી કોરોનાની શરૂઆતની ગતિ અટકાવી દેવામાં આવી છે અને તૈયારી સાથે તેની સાથે લડવાની પણ છે અને રોજીંદુ જીવન પણ ચલાવવાનુ છે. આજની બેઠક બપોરે ૩ વાગ્યે શરૂ થઈ છે જે અડધા કલાકના બ્રેક બાદ મોડી રાત સુધી ચાલી શકે છે. બધા મુખ્યમંત્રીઓ પાસે તેમની તૈયારીઓ લોકડાઉનમાં રાહત બાદની સ્થિતિ પર વિગતો લેવાશે.
સરકારની પ્રાથમિકતા છે કે અર્થતંત્રને વેગ મળવો જોઈએ. એ માટે સુરક્ષાના માપદંડો સાથે ઉદ્યોગોને પુરેપુરી છૂટ મળી જશે એટલુ જ નહિ રાજ્યોની અંદર બસ પણ દોડવા લાગશે. મુખ્યમંત્રીઓ સાથે ૫મી વિડીયો કોન્ફરન્સમાં બધાને બોલવાનો મોકો મળશે. ૧૭મી બાદ લોકડાઉનને કાંતો સમાપ્ત કરી દેવાશે અથવા તો સમાન ગાઈડલાઈન્સ બનાવવામાં આવશે તે પછી રાજ્યો પોતપોતાના હિસાબોથી નિયમો નક્કી કરશે. એવુ સમજાય છે કે કેન્દ્ર સમગ્ર દેશમાં લોકડાઉનની જગ્યાએ રાજ્યોને તેને પસંદ કરવાની આઝાદી આપી દેશે.