ન્યુ દિલ્હી : આવતીકાલે સમગ્ર દેશમાં બેંકિંગ સેવા પ્રભાવિત થઈ શકે છે. જેનું કારણ છે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સની હડતાળ, જેનાથી દેશભરમાં લાખો બેન્કકર્મી પણ જોડાશે.
સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં હડતાળનું આહ્વાન કર્યું છે. સરકારે હાલમાં જ ત્રણ નવા શ્રમ કાયદા પાસ કર્યા અને ૨૭ જૂના કાયદા રદ કરી નાખ્યા. જેના વિરોધમાં આ હડતાળ થઈ રહી છે. ભારતીય મજદૂર સંઘને બાદ કરતા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ૨૬ નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘએસબીઆઈ અને ઈન્ડિયન ઓવરસીસ બેન્કને બાદ કરતા મોટાભાગની તમામ જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેન્કોમાં કાર્યરત કર્મચારીઓનું પ્રતિનિધત્વ કરે છે. એકલા મહારાષ્ટ્રમાં જાહેર ક્ષેત્રની બેન્કો, જૂની પેઢીની ખાનગી ક્ષેત્રની બેન્કો, ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો અને વિદેશી બેન્કોની ૧૦,૦૦૦ બ્રાન્ચના લગભગ ૩૦,૦૦૦ કર્મચારી હડતાળમાં જોડાશે.
AIBEAએ કહ્યું કે ૨૬ નવેમ્બરના રોજ બેન્ક કર્માચીરઓ પણ પોતાની માગણીને રજુ કરશે. શ્રમ કાયદા ઉપરાંત આ માગણીઓ ઉપર પણ અમારું ફોકસ રહેશે. બેન્ક કર્મચારીઓ તરફથી બેન્ક ખાનગીકરણનો વિરોધ, આઉટસોર્સિંગ તથા કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, પૂરતી નિયુક્તિઓ, મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી, બેન્ક ડિપોઝીના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં કાપ જેવી માગણીઓ રહેશે. આ ઉપરાંત બેન્કોના ખાનગીકરણ કરવાની સરકારની મુહિમનો પણ વિરોધ કરશે. કારણ કે આ પગલાંથી દેશની ઈકોનોમી પર સીધી અસર પડી રહી છે.