લોકડાઉનના ૯મા દિવસે વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વિડિયો બેઠક…
પ્રવાસી મજુરો, રાહત કાર્યો, તબલીગી જમાત સહિતની બાબતોની ચર્ચા કરાઇ,કોરોનાના સમાચારો માટે દરેક રાજ્યોને પોર્ટલ બનાવવા તાકીદ…
ન્યુ દિલ્હી : ૧૩૦ કરોડની આબાદી વાળા વિશાળ ભારત દેશમાં કોરોના વાઇરસ સામને લડાઇમા એક તરફ ૨૧ દિવસના લોકડાઉનનો કાર્યકાળ ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉનના નવમા દિવસે આજે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કાન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને રાજ્યોને ખાતરી આપી હતી કે કોરોના સામેની આ લડાઇ આપણે સૌ સાથે મળીને જીતીશું. સૌનો સહયોગ જરૂરી છે એમ કહીને તેમણે રાજ્યોને લોકડાઉનનો કડક અમલ કરવા જણાવ્યું હતું., આ બેઠક બાદ એક સીએમ દ્વારા કરાયેલા ટ્વીટથી એવા નિર્દેશો મળ્યા કે ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન રહી શકે છે. જો કે વિવાદ થતાં તેમમએ આ ટ્વીટ રદ કરીને ખુલાસો કર્યો હતો.
અહેવાલ પ્રમાણે, કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યારે આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ પહેલા ૨૦ માર્ચે પણ તેમણે વિવિધ રાજ્યો સાથે ચર્ચા કરી હતી.
અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા ૨૦૦૦ને વટાવી ગઈ છે. આ સંજોગોમાં વડાપ્રધાને અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંક્રમણ સામે લડાવા માટેની વિવિધ રણનીતીઓ પર પણ વાત કરી હતી આ દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના સંબંધિત સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય ગૃહ સેક્રેટરી અજય ભલ્લાએ બુધવારે કહ્યું કે તમામ રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે. પોતાના ત્યાં સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવો. સુપ્રીમ કોર્ટે ૩૧ માર્ચે સંક્રમણને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉન પર સુનાવણી કરી હતી. કોર્ટે ૨૪ કલાકની અંદર કોરોનાવાઈરસ પર નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવા અને લોકોને સંક્રમણ વિશે માહિતી આપવા માટે પોર્ટલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને દરેક સ્થિતિમાં મજૂરોની અવર-જવર રોકવા, તેમના ખાવા, રહેવાની જગ્યા, પોષણ, સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું.
આ અગાઉ, ૨૯ માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે માફી માંગતા કહ્યું હતું કે આજે વિશ્વમાં કોરોના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય ગણાશે નહિ. કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે, જેનાથી ગરીબો હેરાન થયા. તમામ લોકોની ક્ષમા માંગુ છું.
કોરોના વાયરસના ખતરાના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂની એક જ ટિ્વટે લોકડાઉનને લઈને ચર્ચા છેડી દીધી હતી.
સીએમ પેમા ખાંડુએ ટિ્વટ કરીને દાવો કર્યો હતો છે કે, લોકડાઉનનો ૧૫ એપ્રિલે અંત આવી શકે છે. જોકે થોડી જ વારમાં તેમણે આ ટિ્વટ હટાવી દીધુ હતું અને બાદમાં સ્પષ્ટિકરણ આપ્યું હતું.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે સવારે થયેલી વિડિયો કોન્ફરન્સ બેઠકનો એક વીડિયો શેર કરતા પેમા ખાંડૂએ લખ્યું હતું – લોકડાઉન ૧૫ એપ્રિલે પુરૂ થશે, પણ તેનો અર્થ એ નથી કે લોકો રસ્તાઓ પર ફરવા માટે આઝાદ હશે. કોરોના વાયરસની અસરને ઓછી કરવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી દાખવવી પડશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગ કોરોના સામે લડવાના શ્રેષ્ઠ ઉપાય છે. પેમા ખાંડૂના આ ટિ્વટ બાદ એ ચર્ચાએ દેશભરમાં જોર પકડ્યું હતું કે, ૧૫ દિવસ બાદ પણ લોકડાઉન યથાવત જ રહેશે.
આ ટિ્વટને ડિલીટ કર્યા બાદ પેમા ખાંડૂએ એક ટિ્વટ કર્યું હતું, જેમાં ખંડન કરવામાં આવ્યું હતું. નવા ટિ્વટમાં પ્રેમા ખાંડૂએ લખ્યું હતું કે – લોકડાઉનના સમયને લઈને કરવામાં આવેલુ અગાઉનું ટિ્વટ એક અધિકારીએ કર્યું હતું, જેમને હિંદી ભાષાનું જ્ઞાન મર્યાદિત છે. માટે આ ટિ્વટને હટાવી દેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરનન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. આ દરમિયાન કોરોના વાયરસને લઈને ઉભા થયેલા સંકટ, લોકડાઉન અને વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.