સંઘની દશેરા પૂજાઃ ભાગવતે કહ્યું-કોઈ અમારી મિત્રતાને નબળાઈ ન સમજે…
સંઘની દશેરા પૂજાઃભાગવતે કહ્યું-ચીનના સામ્રાજ્યવાદી સ્વભાવ સામે ભારત અવરોધ બનીને ઊભો છે. આ વખતે ભારતે જે ધક્કો આપ્યો તેનાથી ચીન ફફડી ઉઠ્યું…
નાગપુર : આજે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક નાગપુરમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. સંઘના વડા મોહન ભાગવતએ તેમના સંબોધનમાં દેશની ઘણી મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું હતું. ભાગવતે ચીનના મામલે પીએમ મોદીની પીઠ થપથપાવાની સાથે ભાગવતે ચીનના બેવડા વલણથી સાવચેતી રાખવાનું કહ્યું. આરઆરએસ વડાએ કહ્યું, ‘ચીનના વિસ્તારવાદી સ્વભાવને બધા જ જાણે છે. આ વખતે તે એક સાથે તાઇવાન, વિયેતનામ, અમેરિકા, જાપના અને ભારત સાથેની લડાઇમાં ઉતર્યું. પરંતુ આ વખતે તફાવત છે. આ વખતે ભારતે તેની સામે પ્રતિક્રિયા આપી, તેના કારણે તે ફફડી ગયું. તેને ધ્રાસકો લાગ્યો. કારણ કે ભારત મક્કમતાથી ઉભું રહ્યું. ભારતીય સેનાએ પોતાની બહાદુરી બતાવી, ભારતના નાગરિકોએ દેશભક્તિનો પરિચય દેખાડ્યો. ચીન પર નિશાન સાંધતા મોહન ભાગવતે કહ્યું કે આપણે શાંત રહીએ છીએ તેનો મતલબ એ નથી કે આપણે દુર્બળ છીએ. એ વાતનો અહેસાસ તો હવે ચીનને પણ થઇ ગયો છે. પરંતુ એવું નથી કે ત્યારબાદ આપણે બેદરકાર થઇ જઇએ. આવા ખતરાઓ પર નજર બનાવી રાખવી પડશે. મોહન ભાગવતે કહ્યું કે આપણે બધાની સાથે મિત્રતા ઇચ્છીએ છીએ.
તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદ્ભાવનાને દુર્બળતા માનીને પોતાના બળના પ્રદર્શનથી કોઇ ભારતને ઇચ્છે તેમ નચાવી લે, ઝૂકાવી લે એ બની જ ના શકે, આટલું તો અત્યાર સુધી આવું દુઃસાહસ કરનારાઓને સમજમાં આવવું જોઇએ. નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટરમાં પોતાના સંબોધન પર સર સંઘના સંચાલક મોહન ભાગવતે કહ્યું કે વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિકોણથી તેમને ખૂબ ધક્કો તો લાગ્યો છે. તેના લીધે બાકીની દુનિયાએ પણ ચીનને ઠપકો આપવાનું શરૂ કરી દીધું છે. તેની સામે ઉભા રહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે તેના કારણે હવે વધુ સજાગ રહેવું જરૂરી છે. કારણ કે જે વિચાર્યું ન હતું, તે પરિસ્થિતિ તેની સામે ઉભી થઈ છે. તેના જવાબમાં તે શું કરશે તે ખબર નથી. તેનો ઉપાય સાવધાની અને વ્યૂહાત્મક તૈયારી છે. વ્યૂહાત્મક, આર્થિક અને રાજદ્વારીમાં આપણે ચીન કરતા મોટા બનવું પડશે. આપણે આ કરતા રહેવું પડશે, જો આપણે આ કરીશું તો જ આપણે ચીનને રોકી શકીશું.
તેઓએ સંબોધિત કરતાં કહ્યું કે ૯ નવેમ્બરના રોજ રામજન્મભૂમિના મામલામાં પોતાનો નિર્ણય આપીને સુપ્રીમ કોર્ટે ઇતિહાસ રચ્યો. ભારતની જનતાએ આ નિર્ણયને સંયમ અને સમજદારીનો પરિચય આપતા સ્વીકાર કર્યો. કોરોના પર બોલતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે કોરોનાના લીધે ઘણા બધા વિષય બંધ થઇ ગયા. મોહન ભાગવતે કહ્યું કે સરકારની તરફથી યોગ્ય સમય પર ઉઠાવામાં આવેલા પગલાંના લીધે ભારતને કોરોનાના કેસમાં અન્ય દેશોની સરખામણીમાં ઓછું નુકસાન થયું. વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણું ભારત સંકટની આ પરિસ્થિતિમાં વધુ સારી રીતે ઉભું થતું દેખાય છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ બાકી દેશો કરતાં ઓછો દેખાઇ રહ્યો છે, તેના કેટલાંક કારણો છે. કોરોનાના માર એ કેટલીય સાર્થક વાતોની તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે.