અમદાવાદ : રાજ્યમાં જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ છે અને દિવસે દિવસે ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો માટે ઇન્જેક્શન લેવા વહેલી સવારથી લાઈનમાં ટોકન લેવા લાઈનમાં આવી ગયા છે. આજે સવારથી ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી, જેમાં ૧૦ વાગ્યા સુધીમાં ૧૦૦૦ જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યાં છે, જેથી લોકોને પોલીસ દ્વારા પરત મોકલાતાં લોકો રોષે ભરાયા છે.
મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. ૧૦૦૦ જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી.
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર રોજ અનેક લોકો દૂર-દૂરથી આવે છે અને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે એ માટે લાઈનમાં બેસે છે. આ બધાની વચ્ચે હવે કર્ફ્યૂના સમયમાં પણ લોકો ત્યાં સવારે તેમનો નંબર આવશે અને સ્વજનોને માટે ઇન્જેક્શન મળી જશે એવી આશા રાખીને આખી રાત બેઠા હોય છે. હાલ રવિવારે રાતનો ઝાયડસ હોસ્પિટલની બહાર આવા મજબૂર લોકોનો વીડિયો સામે આવ્યો છે, જેને કર્ફ્યૂ કરતાં પોતાના સ્વજનનો સાદ સાંભળવો છે. હવે તેમના માટે કોઈ બીજો ઉપાય રહ્યો નથી.