રોડ પરથી મળેલા ૯ લાખની કિંમતના હીરાના પેકેટને ચાર દિવસની મહેનત પછી તેના સાચા માલિક સુધી પહોંચાડી ઇમાનદારી બતાવી…
સુરત : હાલમાં કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર પર તેની વ્યાપક અસરો પડી છે. સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ તેની વ્યાપક અસરો પડી છે. આ તકલીફ વચ્ચે પણ સુરતના એક રત્નકલાકારની ઈમાનદારી જોવા મળી છે. રાજેશ નામનો રત્ન કલાકાર ગરીબ હોવા છતા પણ તેને રોડ પરથી મળેલા ૯ લાખની કિંમતના હીરાના પેકેટને ચાર દિવસની મહેનત પછી તેના સાચા માલિક સુધી પહોંચાડી ઇમાનદારીની એક ઉતમ મિસાલ બતાવી છે.
સુરતના એક હીરા વેપારી હરેશભાઇએ તેમના ૯ લાખના હીરા વેચવા માટે દલાલને આપ્યા હતા. એ દલાલ કે જેમનું નામ પણ હરેશ જ છે તેમનાથી હીરાનું પેકેટ મીની બજાર ખાતે આવેલ પ્રિન્સેસ પ્લાઝા પાસે પ઼ડી ગયું હતું. પરંતુ પોતાની ઓફિસ જઇને નહીં મળતા દલાલ હરેશ દ્વારા સોશિયલ મીડિયામાં હીરા પેકેટ ખોવાયાની જાહેરાત કરી હતી. કારણ કે હાલમાં મંદીના સમયમાં જો હીરા ના મળ્યા હોત તો તો દલાલે હીરાની કિંમત માલિકને ચુકવવી પડ.ત. જેના માટે ઘર પણ વેચાઇ જાય તેવી સ્થિતિ હતી.
આ સમયે એક ઇમાનદાર રત્ન કલાકાર રાજશને ખબર પડી કે જે હીરાના પેકેટના માલિકને શોધી રહ્યો છે તે આ લોકો જ છે. જેથી રાજેશે પ્રિન્સેસ પ્લાઝાના વેપારીની મદદથી આખરે ઇમાનદારી પૂર્વક હીરા દલાલ અને માલિકને સોપ્યા હતા.
હાલમાં જે રીતે હીરા વેપારમાં પણ મંદી ચાલી રહી છે. તેને લઇને હીરાના માલિક અને દલાલ બંને ખુબ જ માનસિક તાણમાં આવી ગયા હતા. કારણ કે ૯ લાખના હીરા હતા. જેથી જયારે ઇમાનદાર રત્નકલાકાર રાજેશે તેમને હીરાનું પેકેટ આપ્યું તો તે તેઓ ભાવુક થઇ ગયા હતા અને જાહેરમાં રાજેશની ઇમાનદારીનું સન્માન કરવામાં આવ્યું હતું.