સીમા પરની ગતિવિધિઓ પર રાખશે બાજનજર…
બેંગ્લુરુ : સરહદ પરની ગતિવિધિઓ પર બાજનજર રાખી શકાય તે દૃષ્ટિએ ભારત ૨૮મી માર્ચે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છોડવા તૈયારી કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા શ્રીહરિકોટા સ્પેર્સપોર્ટથી જીએસએલવીએફ-૧૦ રોકેટ વડે સ્પેસમાં જીઆઈએસએટી-૧ છોડવામાં આવશે.
બેંગલૂરુમાં હેડકવાર્ટર ધરાવતા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના એક અધિકારીએ કહ્યું કે ‘હવામાન સાનુકૂળ હશે તો ૨૮મી માર્ચે જીઓઈમેઝિંગ સેટેલાઈટ લોન્ચ કરવાની અમારી યોજના છે.
રોકેટ અવકાશયાનને જિયોસિન્ક્રોનસ ઓર્બિટમાં દાખલ કરશે અને તે પછી ઓનબોર્ડ પ્રોપ્લઝન સિસ્ટમની મદદથી સેટેલાઈટને પૃથ્વીના ઈવેકટરની ઉપર ૩૬૦૦૦ કિલોમીટર પર આવેલી જિયોસ્ટેશનરી ઓર્બિટમાં ગોઠવવામાં આવશે. આ અગાઉ પાંચમી માર્ચ ૨૦૨૦ની તારીખે જીઆઈએસએટી-૧ લોન્ચ કરવાની યોજના હતી, પણ ટેક્નિકલ કારણોને લઈને લોન્ચિંગ કરવામાં આવ્યું ન હતું.
ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસના એક અધિકારીએ કહ્યું કે ‘ભારત માટે આ સેટેલાઈટ ગેમચેન્જર બની રહેશે. સેટેલાઈટના હાઈરિઝોલ્યુશન કૅમેરાઓ દ્વારા ભારતીય સરહદ, દેશનો વિસ્તાર અને સમુદ્રો પર ચાંપતી નજર રાખી શકાશે.’ કુદરતી આફતોની પરિસ્થિતિમાં પણ સેટેલાઈટ પર નજર રાખવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કૃષિ, વનિકરણ આફતની ચેતવણી, વાદળો, હિમવર્ષા, હિમશિલાઓ અને ઓસનોગ્રાફી બાબતમાં પણ મહત્ત્વનું નિરીક્ષણ થઈ શકશે તેવું અધિકારીએ કહ્યું હતું.
એપ્રિલ મહિનામાં સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (એસએસએલવી)નું પરીક્ષણ કરવામાં આવશે તેવું સ્ત્રોતોથી જાણવા મળ્યું છે. એસએસએલએવી ૫૦૦ કિલોગ્રામના સેટેલાઈટ, ૫૦૦ કિલોમીટર લો અર્થ ઓર્બિટ (એલઈઓ) અને ૩૦૦ કિલોગ્રામ સન સિન્ક્રોન્સ ઓર્બિટ (એસએસઓ)માં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.