રાંચી : ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના માતા અને પિતા કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમને રાંચીના પલ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ધોની હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં રમી રહ્યો છે. કોવિડ-૧૯નો સતત ફેલાવો થઈ રહ્યો છે. ઝારખંડ પણ એનાથી અળગું નથી. અહીં પણ કોવિડ સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના પિતા પાન સિંહ અને ધોની અને માતા દેવકી દેવી કોરોનાથી સંક્રમિત થયાં છે. બંનેને હાલ રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ બંનેની સ્થિતિ હાલ સારી છે. તેમનું ઓક્સિજન લેવલ પણ હાલ સામાન્ય છે. સીટી સ્કેન કરાવવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે હજી સંક્રમણ ફેફસા સુધી પહોંચ્યું નથી.
ધોનીનો પરિવાર ઉત્તરાખંડ છે. તેમના પિતા પાન સિંહ ૧૯૬૪માં રાંચી સ્થિત મેકોનમાં જુનિયર પદ પર નોકરી મળ્યા પછી ઝારખંડમાં રહેવા લાગ્યા. ઝારખંડમાં કોરોના વાઈરસના સંક્ટ અંગે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં ૨૨ એપ્રિલના સવારે ૬ઃ૦૦ વાગ્યાથી ૨૯ એપ્રિલના સવારના ૬ઃ૦૦ વાગ્યુ સુધી સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહની જાહેરાત કરી છે. આ દરમિયાન લોકડાઉન જેવા પ્રતિબંધો રહેશે.