ન્યુ દિલ્હી : ભારતનાં ૧૨ પવિત્ર જ્યોતિરલિંગ પૈકીનાં ઉજ્જૈનનાં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરના શિવલિંગને ક્ષારથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો હુકમ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, મંદિરના શિવલિંગ પર કોઈપણ ભક્ત પંચામૃત ચઢાવી શકશે નહીં. ભક્તોએ શુદ્ધ દૂધથી જ પૂજા કરવાની રહેશે. કોર્ટે મંદિર કમિટીને કહ્યું છે કે, તે ભક્તો માટે શુદ્ધ દૂધની વ્યવસ્થા કરે અને એ સુનિશ્ચિત કરે કે કોઈપણ અશુદ્ધ દૂધ શિવલિંગ પર ન ચડાવે. સુપ્રીમ કોર્ટે મંદિરના શિવલિંગના સંરક્ષણ માટે આ આદેશ આપ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિર મામલામાં આદેશ આપ્યો. આદેશ આપતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, ભગવાન શિવની કૃપાથી આ છેલ્લો ચુકાદો પણ થઈ ગયો.
સુપ્રીમ કોર્ટે શિવલિંગને ક્ષારથી બચવાવા અને સંરક્ષિત કરાવ માટે આ તમામ આદેશ આપ્યા. તે અંતર્ગત કહેવાયું છે કે, કોઈપણ ભક્ત શિવલિંગ પર કોઈપણ પંચામૃત વગેરેનો લેપ ન કરે. ભસ્મ આરતી વધુ કાળજી રાખીને કરવામાં આવે જેથી પીએચ વેલ્યુ યોગ્ય થાય અને શિવલિંગ સુરક્ષિત રહે. તેના માટે શક્ય તેટલી વધારે યોગ્ય રીત અપનાવવામાં આવે. શિવલિંગ પર મુંડમાળનો ભાર ઓછો કરવામાં આવે. એ વાત પર વિચાર કરવામાં આવે કે શું મેટલનું મુંડમાળ ફરજિયાત છે. કોર્ટે કહ્યું કે, દહીં, ઘી અને મધનો લેપ કરવાથી શિવલિંગ ઘસાઈ રહ્યું છે અને ક્ષારયુક્ત થઈ રહ્યું છે. એ યોગ્ય રહેશે કે મર્યાદિત માત્રામાં શુદ્ધ દૂધ શિવલિંગ પર ચડાવવામાં આવે. પરંપરાગત પૂજા માત્ર શુદ્ધ વસ્તુઓથી થતી રહી છે. પુજારી તેમજ પંડિત એ વાતને સુનિશ્ચિત કરે કે કોઈપણ ભક્ત શિવલિંગને કોઈપણ સ્થિતિમાં લેપ ન કરે.
જો કોઈપણ ભક્ત એવું કરતો જણાશે તો પુજારીની જવાબદારી રહેશે. ગર્ભગૃહમાં પૂજા સ્થળનું ૨૪ કલાક રેકોર્ડિંગ કરવામાં આવશે અને છ મહિના સુધી રેકોર્ડિંગ સાચવવામાં આવશે. કોઈપણ પુજારી આ મામલે આદેશનું ઉલ્લંઘન કરશે તો મંદિર કમિટી એક્શન લઈ શકે છે. કોર્ટે રુડકી સીબીઆરઆઈને કહ્યું કે, તે મંદિરના સ્ટ્રક્ચર અંગે પોતાનો રિપોર્ટ આપે. ઉજ્જૈનના એસપી અને કલેક્ટરને કહેવાયું છે કે, તેઓ મંદિરના ૫૦૦ મીટરના વર્તુળમાંથી દબાણો હટાવે. હકીતમાં કોર્ટે આ મામલામાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટ કમિટી પાસે સૂચન મંગાવ્યા હતા, કે કઈ રીતે મંદિરના સ્ટ્રક્ચર અને શિવલિંગને ક્ષારથી બચાવી શકાય અને શિવલિંગને સુરક્ષિત રાખી શકાય.