નરાધમોએ ગેંગરેપ બાદ સગીરાની આંખો ફોડી જીફ કાપી નાંખી…
હેવાનિયતની હદ પાર, પોલીસે બે નરાધમોને દબોચ્યા, આરોપી સગીરાનો મૃતદેહને શેરડીના ખેંતરમાં ફેંકી ફરાર થયા…
લખીમપુર : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ૧૩ વર્ષની સગીરા પર ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી છે. લખીમપુર ખીરીમાં એક કાળજું કંપાવનારી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં ૧૩ વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ જ નહીં પરંતુ તેની આંખો પણ ફોડી કાઢવામાં આવી હતી. તેની જીભ કાપી નાંખી અને તેના ગળામાં ફંદો નાંખી ખેતરમાં ખેંચી લાવામાં આવી હતી. ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આ સગીર છોકરી ઘરની બહાર તો નીકળી પરંતુ પાછી ફરી શકી નહીં.
પરિવારવાળા ઘણા સમય સુધી ઘરે ના પહોંચતા બાળકીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસને બાળકીના ગુમ થયાની માહિતી આપી. આખરે બાળકીનો મૃતદેહ શેરડીનાં ખેતરમાંથી મળી આવ્યો. પોલીસે ઘટનાસ્થળ પરથી લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. રિપોર્ટમાં ગેંગરેપની પુષ્ટિ થઈ હતી, ત્યારબાદ પોલીસે હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.
લખીમપુર ખીરી જિલ્લામાં ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પકરીયા ગામની એક ૧૩ વર્ષની માસૂમ બાળકી તેના ઘરેથી શૌચ માટે ખેતરમાં ગઈ હતી. ત્યારે જ ગામના બે યુવકોએ સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને તેની હત્યા કરી દીધી. મૃત્યુ પહેલાં છોકરીને અસહ્ય પીડા આપવામાં આવી હતી. તેની આંખો ફોડી નાંખી હતી અને તેની જીભ કાપી નાખી હતી અને તેના ગળામાં ફંદો નાંખી તેને ઘસેડી હતી. બાદમાં આરોપી મૃતદેહને શેરડીના ખેતરમાં ફેંકી ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો.
આ ૧૩ વર્ષની માસૂમ બાળકી ૧૪ ઓગસ્ટના રોજ બપોરે ૧ વાગ્યે તેના ઘરેથી શેરડીનાં ખેતરમાં શૌચ માટે ગઈ હતી, પરંતુ મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં તેના પરિવારે યુવતીની શોધખોળ શરૂ કરી હતી. આ અંગે તેમણે પોલીસને પણ માહિતી આપી હતી. પોલીસની ટીમ સાથે પરિવાર આ યુવતીની શોધ માટે ખેતર તરફ ગયો હતો. ત્યારે માસૂમ બાળકીનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો.
સંબંધીઓએ ગામમાં રહેતા સંતોષ યાદવ અને સંજય ગૌતમ પર બાળકી પર દુષ્કર્મ આચર્યાનો અને હત્યા કરવાનો આરોપ મૂકયો છે. પોલીસે બાળકીના પરિવારજનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર બંને યુવકોની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને યુવતીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.
૧૫ ઑગસ્ટના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે ગેંગરેપની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યાર બાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને ગેંગરેપનો ગુનો નોંધી ધરપકડ કરી હતી તેમજ એનએસએ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે.