ગાંધીનગર : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ ૨.૨૪ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. છેલ્લા ૧૨ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૧.૪ મીટરનો વધારો થયો છે. જેને પગલે ડેમની સપાટી વધીને ૧૨૬.૮૯ મીટરે પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. ડેમમા હાલ ૨૦૫૨ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ૨૦૫૨ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
વીજ ઉત્પાદન હજી પણ બંધ છે. નર્મદા જિલ્લામાં વરસાદની વાત કરીએ તો પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ડેડીયાપાડામાં ૪.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. નાંદોદમાં ૧ ઇંચ, ગરુડેશ્વરમાં ૨૨ મિમી, તિલકવાડામા ૧ .૧ ઇંચ, સાગબારામાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ ૫૪ ટકા વરસાદ પડ્યો છે. કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉપરવાસમાંથી ૧૮,૯૪૭ ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ડેમની સપાટી ૧૧૦.૧૧ મીટર પર પોંહચી છે. ડેમમાં લાઈવ પાણીનો જથ્થો ૩૭૪.૧૭ એમસીએમ છે. કરજણ ડેમના ૫ ગેટ ખોલાયા છે. હાલ કરજણ નદીમાં ૪૦,૪૯૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાઇડ્રો પાવારના ૨ યુનિટ ચાલુ છે.
હાલ વિજઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદા જિલ્લાના તાલુકામાં ૧૦થી વધુ એમ ૫૦થી વધુ ઉંડા તળાવો કર્યા હતા. સાગબારા માલ સમોટ વિસ્તારમાં ૬, નાંદોદમાં ૧૦, ગરુડેશ્વરમાં ૫ જેમાં મહુડીપાડા, સનાદરા, જૂનાઘંટામાં ૩, હાંડી ૨, ધોચકી ૨, છટવાડા ૨, મોટા તળાવો બનાવ્યાં હતા. આ તળાવો પહેલા વરસાદે જ અડધા ભરાયા પણ એકાદ બે તળાવમાં પાળી નબળી હોય તૂટી જતા પાણી વહી ગયું પણ બાકીના તમામ તળાવોથી ગામનું ભૂગર્ભ જળ એકદમ વધી ગયું છે. નર્મદામાં ધોધમાર વરસાદથી તમામ તળાવો છલકાઈ ઉઠ્યા છે. જેનો સીધો લાભ ગ્રામજનોને મળી રહ્યો છે.