મુંબઈ : ‘જિસ દેશ મેં ગંગા રહેતા હૈ’માં ગોવિંદાના મિત્રનો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલા દિગ્ગજ એક્ટર કિશોર નંદલાસ્કરનું અવસાન થયું છે. ૮૧ વર્ષની ઉંમરે તેઓ કોરોનાવાઈરસ સામે હારી ગયા. મંગળવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા. કિશોરનાં પૌત્ર આશિષે આ વાતની પુષ્ટિ કરી છે.
આશિષે જણાવ્યું, ‘મારા દાદા કોરોના પોઝિટિવ થયા પછી ૧૪ એપ્રિલે થાણેમાં કોવિડ-૧૯ સેન્ટરમાં દાખલ થયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તેમનો ઓક્સિજન લેવલ પણ ઝડપથી ઘટી ગયો હતો. ૨૦ એપ્રિલે કોવિડ સેન્ટરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.’
કિશોરે ફિલ્મી કરિયરમાં ૪૦થી વધારે ફિલ્મમાં એક્ટર તરીકે કામ કર્યું હતું. તેમાં હિન્દી અને મરાઠી ફિલ્મ સામેલ છે. તેમની પોપ્યુલર ફિલ્મમાં ‘વાસ્તવઃ ધ રિયાલીટી’,‘જિસ દેશ મેં ગંગા રહેતા હૈ’,‘પ્રાણ જાયે પણ શાન ન જાયે’,‘ખાકી’,‘સિંઘમ’ અને ‘સિમ્બા’સામેલ છે.
કિશોર લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરતા હતા. તેમના મુંબઈમાં ત્રણ બંગલા છે. તેમાંથી એકમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા જ્યારે બાકીના બે ભાડે આપ્યા હતા. તેમની પાસે લક્ઝરી કારનું કલેક્શન પણ સારું હતું.