મુંબઈ : એક્ટ્રેસ પૂનમ પાંડે વિરુદ્ધ ગોવામાં FIR ફાઈલ થઈ છે. ગોવામાં ચાપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરવાને લઈને ગોવા ફોરવર્ડ પાર્ટીની વિમેન વિંગ દ્વારા પૂનમ વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય વલ્ગર વીડિયોનું શૂટિંગ કરવા માટે અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પણ એફઆઈઆર ફાઈલ થઇ છે. ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ હેઠળ આ ફરિયાદ દાખલ થઇ છે.
પૂનમ પાંડે શૂટિંગ બાદ ગોવાથી મુંબઈ પરત ફરી હતી. પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થઇ છે. અગાઉ પૂનમે તેના પતિ વિરુદ્ધ લગ્નના થોડા જ સમય બાદ ફરિયાદ કરી હતી. પૂનમે તેના પતિ સેમ અહમેદ વિરુદ્ધ સાઉથ ગોવાના કાણકોણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૩૫૪ અને ૫૦૬ (ii) હેઠળ ફરિયાદ કરી હતી. તેનો આરોપ હતો કે પતિએ તેનું શોષણ કર્યું, તેને થપ્પડ મારી અને તેને ધમકાવી છે.
ત્યારબાદ ફિલ્મમેકર સેમને પોલીસે અરેસ્ટ કરી બેલ પર છોડી દીધો હતો. જોકે તેના થોડા સમય બાદ બંને ફરીવાર સાથે આવી ગયા હતા. પૂનમ અને સેમે આ વર્ષે ૧૦ સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. પૂનમ સોશિયલ મીડિયા સ્ટાર અને એક્ટ્રેસ છે. તેણે ૨૦૧૩માં ’નશા’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.