મુંબઈ : પ્રિયંકા ચોપરાની ઓટોબાયોગ્રાફી ’અનફિનિશ્ડ’ આજે એટલે કે મંગળવાર, ૯ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. બુક રિલીઝ થાય એ પહેલાં તેણે મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી એ અંગે વાત કરી હતી. બ્રિટિશ ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે, પ્રિયંકાએ પોતાની બુકમાં ડિરેક્ટર સાથે થયેલી મુલાકાત અંગેની વાત કરી હતી. વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યા બાદ પ્રિયંકા પહેલી જ વાર ફિલ્મ સંદર્ભે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસરને મળવા ગઈ હતી. ડિરેક્ટર-પ્રોડ્યુસરે પ્રિયંકાને ઊભા થઈને તેની આસપાસ ફરવાનું કહ્યું હતું.
પ્રિયંકાએ એ જ પ્રમાણે કર્યું હતું, આ સમયે તે ડિરેક્ટર પ્રિયંકાની સામે સતત જોતો હતો. ત્યાર બાદ તેણે પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું, જડબું ઠીક કરાવવાનું તથા બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ડિરેક્ટરે એમ કહ્યું હતું કે જો એક્ટ્રેસ બનવું હોય તો શરીરનાં કેટલાંક ભાગોને ’ફિક્સ’ કરવાની જરૂર છે. આટલું જ નહીં તે ડિરેક્ટરે પ્રિયંકાને એમ કહ્યું હતું કે તે લોસ એન્જલસમાં ડૉક્ટરને ઓળખે છે અને તેને ત્યાં મોકલી દેશે. ત્યાર બાદ પ્રિયંકાના મેનેજરે પણ ડિરેક્ટરની હામાં હા મિલાવી હતી.
મીટિંગ બાદ પ્રિયંકાએ મેનેજરને કાઢી મૂક્યો હતો. પ્રિયંકા આ બધી વાતો સાંભળીને નવાઈમાં મુકાઈ ગઈ હતી અને તેને નાનપની લાગણી થઈ હતી. બુક રિલીઝ થાય એ પહેલાં પ્રિયંકા ચોપરાને પ્લાસ્ટિક સર્જરી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે એશિયન સ્ટાઈલ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક ફિલ્મમેકરે તેને તેના શરીરના ભાગોની સર્જરી કરાવવાની યોગ્ય કરવાની સલાહ આપી હતી. પ્રિયંકાએ કહ્યું હતું, ’મેં આ બધી વાતો કોઈને સ્પષ્ટતા આપવા માટે લખી નથી. હું મારા જીવનમાં જે જગ્યાએ છું ત્યાં બેસીને મારા જીવનના અનુભવો વિશે લખ્યું છે, એમાંથી આ એક અનુભવ હતો. આ અનુભવ મેં હૃદયના એક ખૂણામાં સાચવીને રાખ્યો હતો.