આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની તમામ ક્વોલિફાયર મેચો રદ…
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ૩૦મી જૂન અગાઉ યોજાનારી તમામ ક્વોલિફાઈંગ ઇવેન્ટ રદ કરી નાખી છે. આગામી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારા એસોસિયેટ્સ દેશની ટીમો વચ્ચે ક્વોલિફાયર્સ યોજાનારા હતા અને તેમાંથી કેટલીક ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવાની હતી.
આ મેચો ૩૦મી જૂન અગાઉ રમાવાની હતી પરંતુ આઇસીસીએ તમામ ક્વોલિફાઇંગ ઇવેન્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર અસર પડી છે અને તમામ સ્થળે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે ક્રિકેટ પણ તેમાંથી બાકાત નથી. વિશ્વના તમામ દેશમાં ક્રિકેટની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. આઇસીસી અને બીસીસીઆઈના વડા મથકને પણ બંધ કરી દેવાયા છે તો તેના કર્મચારીઓ ઘરેથી કામગીરી કરી રહ્યા છે.
આઇસીસીના ઇવેન્ટ વડા ક્રિસ ટેટલીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તથા સમગ્ર વિશ્વમાં વિવિધ સરકારોએ લાદેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને આઇસીસીએ ૩૦મી જૂન સુધી તમામ ઇવેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં અમે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લઇશું.
ખેલાડીઓ, ઓફિશિયલ્સ, સ્ટાફ અને હજારો રમતપ્રેમીઓની આરોગ્ય અને સુરક્ષા પ્રત્યેની અમારી વચનબદ્ધતાને અમે પ્રાથમિકતા આપીને અમે આ નિર્ણય લીધો છે. આ તમામને ધ્યાનમાં રાખીને અમે જવાબદારીપૂર્વક નિર્ણય લીધો છે.
આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ક્વોલિફાયરનો પ્રારંભ ત્રીજી જુલાઈથી શ્રીલંકામાં થઈ રહ્યો છે તે અંગે હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ આઇસીસીના પ્રવક્તાના મતે પરિસ્થિતિનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને તેની સમીક્ષા થઈ રહી છે.આઇસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારો છે અને તે માટેની વર્લ્ડ કપ ટ્રોફી ટૂર એપ્રિલમાં હાથ ધરાનારી હતી તે પણ હાલમાં અટકાવી દેવામાં આવી છે.