કોલકાત્તા : એમ્ફાન ચક્રવાત બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઇ ગયુ છે. જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. કોલકાતા મોસમ વિભાગના જણવ્યા મુજબ બુધવારે બપોરના ૨.૩૦ વાગ્યે એમ્ફાનના લેન્ડફોલની પ્રક્રિયા શરુ થઇ અને આગામી ચાર કલાક સુધી તેની અસર રહેશે. ચક્રવાતના ઝપેટમાં આવવાથી બંગાળ અને ઓડિશામાં આશે ૪.૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે.
બીજી તરફ એમ્ફાન ચક્રવાતને કારણે બાંગ્લાદેશમાં એક વ્યક્તિની મોતના સમાચાર છે. એમ્ફાન ચક્રવાતને લઇને NDRF દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તે જ્યારે પશ્ચિમ બંગાળ સાથે ટકરાશે ત્યારે તેનુ ભયાનક રુપ હશે. જેને લીધે અહીં NDRFની ૫૩ ટીમોને તૈનાત કરવામાં આવી છે.
પહેલાના સાયક્લોન રિકોર્ડને ધ્યાનમાં રાખીએ તો એમ્ફાન સાયક્લોન પૂર્વોત્તર હિંદ મહાસાગરમાં પેદા થયેલુ આ બીજુ સુપર સાયક્લોન છે અને હાલના વર્ષોમાં બંગાળની ખાડીના સૌથી ભીષણ તોફાનો પૈકી એક માનવામાં આવી રહ્યુ છે. ભારતીય મોસમ વિભાગની માહિતી મુજબ એમ્ફાન ચક્રવાત બુધવાર બપોર પશ્ચિમ બંગાળના દીઘા શહેરથી ૯૫ કિમી દૂર, બંગાળની ઉત્તર-પશ્ચિમી ખાડીની ઉપર ભયાનક તોફાન રુપે કેન્દ્રીત હતું.
નેવી પણ બંગાળની ખાડીમાં એમ્ફાન ચક્રવાતની સ્થિતિ પર નજર રાખી રહી છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નૌકાદળના જહાજોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.