ગિરનાર : ગિરનાર પર એશિયાનો સૌથી મોટા રોપ-વને ૧૫ દિવસમાં ૨૦ હજારથી પણ વધુ મુસાફરો મળ્યા છે. જૂનાગઢવાસીઓનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગિરનાર રોપ વે એશિયાનો સૌથી મોટો રોપ વે છે. ઉષા બ્રેકો દ્વારા અતિ આધુનિક ટેકનોલોજીથી આ રોપ વે તૈયાર કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ તેના ઉંચા ભાડાને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તમામ સમાજો, સંસ્થાઓ, રાજકીય પક્ષોએ રજૂઆત કરી વિરોધ કર્યો હતો. જ્યારે સંતોએ પણ ભાવ વધારા મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કરી સામાન્ય લોકો માટે પરવડે તેવા ભાવ રાખવા જણાવ્યું હતું. દિવાળીના સમયમાં આ પ્રવાસીની સંખ્યામાં સતત વધારો થશે તેવી સંચાલકો દ્વારા આશા રાખવામાં આવી છે. શરૂ થતાની સાથે જ દૂરથી યાત્રિકો આવી રહ્યા છે
અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ રોપવેના કારણે ઘરડાથી લઇને નાના બાળકો પણ માતાજીનાં સરળતાથી દર્શન કરી શકે છે. રોપ વેનું ભાડુ ઘટાડવા માટે આજે, ગુરૂવાર ૧૨ નવેમ્બરના સાંજના ૪ વાગ્યે એક બેઠક કરવામાં આવશે. શહેરના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે મળનારી આ બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, તમામ સમાજના આગેવાનો, તમામ સામાજીક, શૈક્ષણિક તબીબી તેમજ કાયદાકીય સંસ્થાના અગ્રણીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ સંતગણની પણ ઉપસ્થિતી રહેશે. આ તકે જો ઉષા બ્રેકો કંપની રોપ- વેનું ભાડું ન ઘટાડે તો જન આંદોલન કરવાની તૈયારી માટેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોપ-વેના લોઅરથી અપર સ્ટેશન વચ્ચેનું અંતર ૨૧૨૬.૪૦ મીટર છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલી વનરાજી તેમજ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ શહેર અને ભવનાથ તળાવનો અદ્ભુત નજારો તેમજ રોમાંચનો અનુભવ થાય છે. લોઅર-સ્ટેશનથી ટ્રોલીને અપર સ્ટેશન સુધી પહોંચતા સાડા છથી સાત મિનિટ થઈ હતી. ગિરનાર પર્વતની ઊંચાઈ પર જ્યાં ૮૫૦ મીટરના અંતર વચ્ચે એક પણ ટાવર નથી. ત્યાં કેબલ જ છે. ટ્રોલી ત્યાં થોડી સ્લો થતી હોય તેવો અનુભવ થાય છે. અપર સ્ટેશનથી પરત લોઅર સ્ટેશન સુધી આવવા માટે પાંચથી છ મિનિટનો સમય લાગે છે. આમ પગથિયા ચડી જતાં ચારથી પાંચ કલાક માત્ર જવામાં જ થાય છે. તે રોપ-વેમાં માત્ર ૧૫ મિનિટમાં આવ-જા થઈ શકે છે.