-
કરોડો ડોલરના કૌભાંડ : અમેરિકામાં એક જ કેસમાં ૨૧ ભારતીયોને ૨૦ વર્ષની કેદ…
-
અમદાવાદનાં કોલસેન્ટરોમાંથી ચાલતાં કેમ્પમાં ૧૮ ગુજરાતી જેલ ભેગા…
ન્યુજર્સી, યુએસએ : ગુજરાતના અમદાવાદ ખાતેનાં કોલસેન્ટરોમાંથી ચાલતાં ટેલિફ્રોડ સ્કેમમાં શુક્રવારે અમેરિકી સત્તાવાળાઓએ ર૧ ભારતીયોને ૪ થી ર૦ વર્ષની કેદ ફટકારી છે. ભારત સ્થિત કોલસેન્ટરોમાંથી ચાલતાં આ કૌભાંડમાં હજારો અમેરિકનો અને લીગલ ઈમિગ્રન્ટ સાથે કરોડો ડોલરની છેતરપીંડી આચરવામાં આવી હતી. આ કોલસેન્ટરો દ્વારા અમેરિકન નાગરિકો અને લીગલ ઈમિગ્રન્ટને સરકારને ન ચૂકવેલાં નાણાં માટે ધરપકડ, દેશનિકાલ, જેલ અને દંડ જેવી ધમકીઓ આપી નાણાં પડાવવામાં આવતાં હતાં. સજા પામેલા તમામ ર૧ ભારતીય અથવા તો ભારતીય મૂળનાં અમેરિકનો છે. તેમાંના કેટલાકને જેલની સજા પૂરી થયા પછી ભારત પરત મોકલી દેવાશે. આ તમામ ગુજરાતના અમદાવાદમાં આવેલા કોલસેન્ટરો સાથે સંકળાયેલા હતા.
સજા પામેલા અપરાધી…
• સન્ની જોશી • મિતેશકુમાર પટેલ • ફહદઅલી • જગદીશ ચૌધરી • દિલીપ પટેલ • વિરાજ પટેલ • હર્ષ પટેલ • રાજેશ ભટ્ટ • ભાવેશ પટેલ • નિસર્ગ પટેલ • મોન્ટુ બારોટ • પ્રફુલ પટેલ • દિલીપ એ. પટેલ • નિલેશ પંડ્યા • જેરી નોરિસ • રાજેશકુમાર • હાર્દિક પટેલ • રાજુ પટેલ • અશ્વિન ચૌધરી • ભરત પટેલ • નિલમ પરીખ
ટેક્સાસની ફેડરલ કોર્ટ દ્વારા સપ્તાહના પ્રારંભે કેટલાકને સજાની સુનાવણી કરાઈ હતી. શુક્રવારે પાંચ દોષિતોને સજાની સુનાવણી કરાઈ હતી. આ રીતે આ કૌભાંડમાં સજા મેળવનાર દોષિતોની સંખ્યા ર૪ પર પહોંચી છે. અમેરિકામાં પહેલીવાર એક સાથે એક જ કેસમાં આટલી મોટી સંખ્યામાં ભારતીયો કે ભારતીય મૂળનાં અમેરિકનોને સજા કરાઈ છે.
સજાની સુનાવણી કરતાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ ૩ર ભારતીય આરોપી છે, તેમાંના કેટલાક હજુ ભારતમાં જ હોવાથી તેમની સામે ખટલો ચલાવી શકાયો નથી. આ કેસમાં ભારતનાં પાંચ કોલસેન્ટરના નામ ખુલ્યા હતા. ભારતીય સત્તાવાળાઓએ આ કેસમાં અમેરિકાની સહાય કરતાં મુંબઈ પોલીસે એપ્રિલ ર૦૧૭માં મુખ્ય ભેજાબાજો પૈકીના એક સાગર શેગી ઠક્કરની ધરપકડ કરી હતી. સાગર ઠક્કર કોલસેન્ટરના સહ માલિક એવા હાર્દિક પટેલના સંપર્કમાં હતા. જેને ૧પ વર્ષ કરતા વધુની સજા ફટકારવામાં આવી છે.
મોડસ ઓપરેન્ડી…
આ કૌભાંડીઓએ તાજેતરમાં જ અમેરિકામાં ઈમિગ્રન્ટ તરીકે ગયેલ અથવા તો વૃદ્ધ અમેરિકન નાગરિકોને પોતાનું લક્ષ્યાંક બનાવતા હતા. તેઓ પોતાને અમેરિકાની ઈન્ટરનલ રેવન્યૂ સર્વિસ અથવા યુએસ સિટીઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસના અધિકારી તરીકે કોલસેન્ટરમાંથી કોલ કરાવતા હતા. કોલરને અમેરિકન આસેન્ટમાં અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવતી હતી. તેઓ સરકારને ચૂકવવા પાત્ર રકમ નહીં ચૂકવો તો તેમને ધરપકડ, જેલ, દંડ, દેશનિકાલ જેવી ધમકી આપી નાણાં પડાવતા હતા. ડરી ગયેલી વ્યક્તિ એક વખત નાણાં ચૂકવવા તૈયાર થાય એટલે તેમને નાણાં ચૂકવવાની પદ્ધતિ જણાવવામાં આવતી હતી.
નાણાં ભારત મોકલી આપતા હતા..
• એકવાર શિકાર પેમેન્ટ આપે કે અમેરિકામાં ભારતીય કોલસેન્ટરો વતી કામ કરતાં લોકો રિલોડેબલ કાર્ડ અથવા વાયર ટ્રાન્સફર દ્વારા નાણાં ભારત મોકલી આપતા હતા. આ માટે અમેરિકા સ્થિત તેમના એજન્ટો સ્ટોર્ડ રેલોડેબલ કાર્ડની ખરીદી કરતાં અને તેનો નંબર ભારત સ્થિત ભાગીદારોને મોકલી આપતા. તેઓ અમેરિકી નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરી આ કાર્ડની નોંધણી કરાવી લેતા. • ત્યારબાદ આ નાણં જે તે નાગરિકનાં નામે નોંધાયેલા કાર્ડમાં કૌભાંડની રકમ જમા કરાવતા અને અમેરિકા ખાતેના તેમના એજન્ટ મનીઓર્ડર ખરીદી લેતા હતા, ત્યારબાદ તે અન્ય વ્યક્તિનાં બેન્ક ખાતામાં જમા કરાવી દેવાતાં હતા.
- Nilesh Patel