Charotar Sandesh
ગુજરાત

કામરેજના ધારાસભ્યે ભાજપમાં જોડાવા ૩ કરોડની ઓફર કરી હતી : આપ કોર્પોરેટર ઋતા દુધાગરા

સુરત : સુરત વોર્ડ નંબર-૩ના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે, કામરેજના ધારાસભ્ય દ્વારા તેઓને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા ૩ કરોડની ઓફર કરવામાં આવી હતી. જો કે, તેઓએ આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેઓના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેઓના પતિનો ઘરસંસાર પણ પડી ભાંગ્યો છે. પતિએ ભાજપ પાસેથી ૨૫ લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું કે, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે, કામરેજના ધારાસભ્ય હાલ વી ડી ઝાલાવાડીયા છે.

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-૩ માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમ્મેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયા હતા. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરૂદ્ધ પક્ષપલ્ટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે. આજે પમહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે, મારા ભવ્ય વિજયને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ – અલગ માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતા મારે છૂટાછેડા પણ લેવા પડ્યાં છે.

ત્રણ કરોડ રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જણાવતાં ઋતાએ ઉમેર્યું કે,તેઓના પૂર્વ પતિ દ્વારા પણ આ ઓફર સ્વીકારી લેવા માટેભારે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ તેઓ ટસથી મસ ન થતાં તેણીના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો. નાછૂટકે ગત ૨૧મી મેના રોજ ઋતા દુધાગરા અને ચિરાગે છુટ્ટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. હાલ બન્નેના છુટ્ટાછેડા થઈ ચુક્યા છે અને ચિરાગ દુધાગરા પણ ૨૫ લાખ રૂપિયા લઈને ભાજપમાં જોડાઈ ગયો હોવાનો ઋતાએ આક્ષેપ કર્યો હતો.

Related posts

રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી…

Charotar Sandesh

રાજ્યમાં વૅક્સીન લેનારાની સંખ્યા ૨ લાખને પાર, કોઈને ગંભીર આડ અસર નહિ…

Charotar Sandesh

ગુજરાત યુનિ.ની ઓફલાઇન પરીક્ષા : ઓનલાઇન પરીક્ષા માટે માત્ર ૧૦૦૦ જ રજીસ્ટ્રેશન…

Charotar Sandesh