ઉમરેઠ, ઓડ અને બોરસદ તાલુકા અને નગરપાલિકાના નિવૃત સૈનિકો, અમર જવાનોના પરિવારો અને સેવામાં કાર્યરત વીર સૈનિકોની શુભેચ્છા મુલાકાત લઈને તેમની સેવાઓને બિરદાવવામાં આવી…
આણંદ : ભારતીય સેના દ્વારા ૨૬મી જુલાઈના દિવસે કારગિલ પર વિજય મેળવ્યો હતો. જેથી સમગ્ર દેશમાં ૨૬મી જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે દેશમાં વિવિધ કાર્યક્રમો થકી સેવા આપતા જવાનો, નિવૃત થયેલ સૈનિક વિરોના કૌશલ્યને અને અમર જવાનોના બલિદાનને બિરદાવવામાં આવે છે.
ત્યારે કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લાના ઉમરેઠ તાલુકા અને નગરપાલિકા, ઓડ નગરપાલિકા અને બોરસદ નગરપાલિકામાં સેવા નિવૃત થયેલા સૈનિક વિરો, અમર જવાનોના પરિવારો અને સેવા આપતા વીર સૈનિકોની શુભેચ્છા મુલાકાત લઈને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.