સેનિટાઇઝરની ૨૦૦ એમએલની બોટલની કિંમત ૧૦૦થી વધુ નહીં હોય…
ન્યુ દિલ્હી : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દેશભરમાં સજાગતા અભિયાન ચલાવી રહી છે, ત્યારે લોકો પણ આ રોગ સામે લડવા માટે સાવધાનીરૂપે બધાં ઘરના સભ્યો માટે માસ્ક અને સેનેટાઇઝરની ખરીદી કરી રહ્યા છે. પરંતુ બજારમાં માસ્ક અને સેનિટાઇઝરની કૃત્રિમ અછત ઊભી કરીને કેટલાય વેપારીઓ બજાર કિંમતથી ઘણી ઊંચી કિંમતે આ વસ્તુઓ વેચી રહ્યા છે. જેથી કેન્દ્ર સરકારે દેશમાં વેચાતા સેનિટાઇઝર અને માસ્કની છૂટક કિંમતો નક્કી કરી દીધી છે. કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને ટવીટ કરીને આ માહિતી આપી હતી. વળી, તેમણે એ પણ કહ્યું હતું કે સરકારે જે કિંમતો નક્કી કરી છે એ ૩૦ જૂન, ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
દેશભરમાં કોરોના વાઇરસ પ્રસરતાં દેશમાં સેનિટાઇઝર અને માસ્કની માગમાં અચાનક ઉછાલો આવ્યો હતો. જેથી કેટલાય વેપારીઓએ એનું બ્લેક માર્કેટિંગ શરૂ કર્યું છે અથવા તો એની ખૂબ ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. જે સેનિટાઇઝર પહેલાં રૂ. ૭૦થી રૂ. ૮૦માં વેચાતા હતા, એ હવે રૂ. ૨૫૦ની કિંમતે વેચાઈ રહ્યા છે. બજારમાં કેટલાંય નકલી ઉત્પાદનો પણ આવી ગયાં છે. આ જ રીતે રૂ. ૫૦માં વેચાતા માસ્કની કિંમત વધીને રૂ. ૨૦૦થી રૂ. ૩૦૦ સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ત્રણ ટ્વીટ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે કોરોના વાઇરસ #COVID19 ના પ્રસરવાથી બજારમાં વિભિન્ન ફેસ માસ્ક, એના ઉત્પાદનમાં લાગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝરની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકારે એને ગંભીરતાથી લઈને એની કિંમતો નક્કી કરી દીધી છે.
હેન્ડ સેનિટાઇઝરની ૨૦૦સ્ન્ બોટલની છૂટક કિંમત રૂ. ૧૦૦થી વધુ નહીં હોય. અન્ય આકારની બોટલોની કિંમત પણ આ જ રીતે રહેશે. વળી, આ કિંમતો ૩૦ જૂન, ૨૦૨૦ સુધી દેશઆખામાં લાગુ રહેશે. જ્યારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ બે અને ત્રણ પ્લાય માસ્કમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિકની કિંમત પણ એ જ રહેશે, જે ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦એ હતી. બે પ્લાય માસ્કની છૂટક કિંમત રૂ. ૮ અને ત્રણ પ્લાયની માસ્કની કિંમત રૂ. ૧૦થી વધુ નહીં હોય.