સરકારને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની તરફેણમાં ઉભા રહેવા અપીલ કરી…
કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરી રહ્યા છે, સરકારે દખલગીરી કરવી જોઈએ…
ન્યુ દિલ્હી : સાંસદ જયા બચ્ચન એ બોલિવૂડની છબીને ખરાબ કરવાનો આરોપ મૂકયો છે. રાજ્યસભામાં મંગળવારે ઝીરો અવરમાં બોલિવૂડની થઇ રહેલી ટીકા વચ્ચે આ મુદ્દો ઉઠાવતા તેમણે સરકારને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની તરફેણમાં ઉભા રહેવાની અપીલ કરી.
જયા બચ્ચને કહ્યું કે જ્યારે પણ દેશમાં કોઈ સમસ્યા સામે આવે છે તો સૌથી વધુ બોલિવૂડના લોકો જ મદદ માટે ઉભા હોય છે. બોલિવૂડના જાણીતા અભિનેત્રી અને સપા સાંસદ જયા બચ્ચને ભાવુક થઈને આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે તેમને ખૂબ દુઃખ થઇ રહ્યું છે કે આ ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરાય રહી છે.
લોકસભામાં સોમવારના રોજ બોલિવૂડમાં ડ્રગ્સનો મામલો ઉઠવા પર ચિંતા વ્યક્ત કરી હતી. આપને જણાવી દઇએ કે સોમવારે ભાજપના સાંસદ રવિ કિશને બોલીવુડમાં માદક દ્રવ્યોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કેસની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જયા બચ્ચને તેમનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરી રહ્યા છે. જયાએ કહ્યું કે કેટલાંક લોકો માટે આખી ઇન્ડસ્ટ્રીઝને બદનામ કરી શકાય નહીં
વાત એમ છે કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ આ કેસની તપાસ ચાલી રહી છે. ડ્રગ્સ સાથે જોડાયેલા અન્ય ઘણા કેસો છે અને બોલિવૂડના ઘણા કલાકારો નિશાના પર આવી રહ્યા છે.
સોમવારે ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવુડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘુસણખોરી થઈ રહી છે અને એનસીબી તેની તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મારી માંગ છે કે આ મામલામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
આજે ઈન્ડસ્ટ્રીને બચાવવી જરૂરી છેઃ રવિ કિશન
જયા બચ્ચનના નિવેદન પર રવિકિશનને મંગળવારે કહ્યું મને આશા હતી કે જયાજી મારુ સમર્થન કરતા હતા. ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો ડ્રગ્સ લેતા નથી, જોકે જે લોકો લે છે, તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખત્મ કરવાની યોજનાનો હિસ્સો છે. જ્યારે મેં અને જયાજીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી હતી ત્યારે આવી સ્થિતિ ન હતી. જોકે આજે ઈન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે.