ન્યુ દિલ્હી : કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્રારા કોરોના વાયરસ સંબંધે કેટલીક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે અને જે મુજબ કોરોના સંદિગ્ધ દર્દીનું મૃત્યુ થાય તો તેના મૃતદેહને તરત જ હવે પરિવારને સોંપી દેવામાં આવશે અને કોઈ રિપોર્ટનો ઇન્તજાર કરવામાં આવશે નહીં.
ગઈકાલે દિલ્હી સરકારને પણ આરોગ્ય મંત્રાલય દ્રારા આ નવી ગાઇડલાઇન મુજબ કામ કરવાની સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર સુધી આવી અનેક ફરિયાદો મળી હતી જેમાં એવો ઉલ્લેખ હતો કે કોરોનાના શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થયા પછી તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતો નથી અને લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવાનું કહેવામાં આવે છે.
ત્યારબાદ આરોગ્ય મંત્રાલય દ્રારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે ગઈકાલે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના શંકાસ્પદ દર્દીનું મૃત્યુ થયા બાદ તેના પરિવારજનો બે ત્રણ દિવસ સુધી અંતિમ સંસ્કાર કરી શકયા નથી અને આવા અનેક બનાવો બન્યા બાદ આરોગ્ય મંત્રાલય દ્રારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને ગાઈડ લાઈન માં સુધારો કરવામાં આવ્યો છે.