મરકઝમાં હાજરી આપનારા ૨૯ ધર્મ પ્રચારકો અમદાવાદમાંથી મળ્યા…
તમામ જિલ્લા કલેક્ટરોને યાદીના આધઆરે ગેરકાયદે પ્રવેશેલા લોકોને શોધવા આદેશ, એટીએસ તપાસ કરશે…
અમદાવાદ : દિલ્હીમાં તબલિગી જમાતના નિઝામુદ્દિન મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ ૧૫ દેશના હજારો લોકો ભેગા થયા હતાં. જેમાંથી ૧૦૩૩ લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના ૨૪થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને ૯નાં મોત થઈ ગયા છે. આ ધાર્મિક પ્રસંગમાં ગુજરાતના અનેક લોકો ગયા હોવાની જાણ થતા હાહાકાર મચ્યો છે. હાલ કેન્દ્ર સરકારે નિઝામુદ્દીન મરકજમાં ગયેલા લોકોમાંથી ૧૫૦૦ લોકો ગુજરાતમાં પ્રવેશ્યા હોવાનો ઘટસ્ફોટ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજ નામના ધાર્મિક પ્રસંગમાંથી ગુજરાતમાં ૧૫૦૦ લોકો કોઈને ખબર પણ પડે નહીં તે રીતે ઘૂસ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર માહિતી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને એક યાદી મોકલી છે જેમાં ગુજરાતમાં પ્રવેશેલા ૧૫૦૦ લોકોના નામ હોઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માહિતીનો ઘટસ્ફોટ કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી અને તેમને તાબડતોડ નિર્ણય લેતા તમામ જિલ્લા કલેક્ટરોને યાદીના આધારે ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને શોધવા માટે આદેશ આપી દીધા છે.
રાજ્ય સરકારે જે પણ જમાતમાં ગયા છે તેવા લોકોને શોધીને તમામના મેડિકલ ચેકઅપ ફરજિયાત કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. આ સિવાય તેમના સંપર્કમાં આવેલા તમામનું સ્ક્રિનિંગ પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો અમદાવાદના ૩૦૦, સુરતના ૭૬, ભાવનગરના ૧૩ લોકો અંગે તપાસ ચાલું છે, આ સિવાય બોટાદના ૪, રાજકોટના ૧૨, મોરબીના ૩, વલસાડના ૫૦ અને જૂનાગઢમાં ૫ લોકોની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે નિઝામુદ્દિન મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ગયેલા લોકોની શોધખોળ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમો કાર્યરત કરીને તેમને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યમાં હવે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ કામગીરીમાં જોતરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તબ્લિક જમાતના પ્રોગ્રામમાં અમદાવાદના ૨૯ લોકો ગયા હતા. તમામ લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરના ૧૩ અને બોટાદ જિલ્લાના ૪ એમ આ બે જિલ્લાના ૧૭ લોકો પણ તબ્લિક જમાતના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.
મોડી રાતે દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ અને ર્જીંય્ની ટીમે તપાસ હાથ ધરી હતી. ૨૯ જેટલા લોકો મળી આવતા તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ લોકો ક્યાં ક્યાં ગયા હતા? અમદાવાદ આવીને કોને મળ્યા હતા? તેમજ કઈ રીતે આવ્યા તેની તપાસ શરૂ કરી છે. આજે તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામના રિપોર્ટ પેન્ડિગ રાખવામાં આવ્યા છે.