દુનિયા હમેશા વિજેતાઓને જ યાદ રાખે છે : પાક ખેલાડી
ન્યુ દિલ્હી : બલ્યુટીસી ફાઇનલ હાર્યા પછી કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો ઊઠી રહ્યા છે. ફેન્સની સાથે નિષ્ણાતોએ પણ કોહલીને આડે હાથ લીધો હતો. એવામાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સલમાન બટે પણ આ મુદ્દે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેણે કોહલીને ટ્રોફી જીતવાની સલાહ આપી તથા આ મુદ્દે અનલકી પણ કહ્યો છે.
વિરાટ કોહલી અંગે વાત કરતાં સલમાન બટ્ટે કહ્યું, તમે ભલે સર્વશ્રેષ્ઠ કેપ્ટન હશો, પરંતુ જો તમારી પાસે ટાઇટલ નહીં હોય તો લોકો તમને યાદ નહીં કરે. ભલે પછી તમારી પાસે સારી રણનીતિ હશે, પરંતુ તમારા બોલર્સ એના આધારે બોલિંગ નહીં કરી શકતા હોય, તેથી જ આવા સમયે લક ફેક્ટર કામ કરે છે.
સલમાન બટે કોહલીને બીજી સલાહ આપતાં કહ્યું, કેટલાક કિસ્સામાં એમ પણ થાય છે કે તમે ખરાબ કેપ્ટન હશો, પરંતુ તમારી ટીમ સારી હોવાથી સતત મેચ જીતતા રહો છો. બસ, આવી રીતે જ વિવિધ ટાઇટલ પણ તમારે નામ થઈ જશે, પરંતુ એના અર્થ એ નથી કે તમે બેસ્ટ કેપ્ટન છો. વિશ્વ એવા કેપ્ટનને જ યાદ રાખે છે, જેણે સૌથી વધારે ટૂર્નામેન્ટ જીતી હોય.
સલમાન બટે જણાવ્યું, વિરાટ કોહલી વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેની બૉડી લેન્ગ્વેજ પણ જોરદાર છે. કોહલી એક આક્રમક બેટ્સમેન છે. તેનું એનર્જી લેવલ પણ બધાથી અલગ છે. વિરાટ મેદાનમાં પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કેપ્ટને હંમેશાં શાંત રહેવું જોઈએ, ઉગ્ર નહીં.
સલામાને કહ્યું, ડબલ્યુટીસી ફાઇનલ મેચ દરમિયાન આપણે સાંભળી રહ્યા હતા કે આ આગ અને બરફ વચ્ચેનું યુદ્ધ હતું. આવી નિર્ણાયક મેચમાં ઘણા ટોપ ક્લાસ કેપ્ટન શાંત અને કૂલ રહ્યા છે. વિરાટ પોતાની પ્રતિક્રિયા આપતો રહેતો હોય છે, જો એ જીતી ગયો હોત તો લોકો તેની પ્રશંસાના પુલ બાંધી દેત.