દુબઈ : ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૦ની કોમેન્ટ્રી પેનલને છોડવાનો નિર્ણય કર્યો છે. તે યૂએઈથી ઈંગ્લેન્ડ માટે રવાના થયો છે. ઈંગ્લેન્ડ તરફથી ૧૦૪ ટેસ્ટ મેચ રમી ચુકેલ આ ૪૦ વર્ષીય ખેલાડી આઈપીએલમાં પણ રમી ચુક્યો છે. તેણે ટૂર્નામેન્ટ છોડીને જતા પહેલા ત્રણ ટીમોને આઈપીએલ ૨૦૨૦ના ટાઇટલની દાવેદાર ગણાવી છે. પીટરસને પોતાના બાળકોની સાથે સમય પસાર કરવા માટે આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે.
તેણે કહ્યુ કે, મારા બાળકોની હાફ-ટર્મ છે અને હું તેની સાથે રહેવા ઈચ્છુ છું. તેથી મેં આઈપીએલમાં કોમેન્ટ્રી છોડી છે. આ એક અજીબ વર્ષ રહ્યું છે. તે સ્કૂલ જઈ રહ્યાં નથી. હું તેની સાથે આખો દિવસ રહેવા ઈચ્છુ છું. તેણે ટ્વીટ કરીને આ વાત કરી છે. પીટરસને પોતાના વિદાયની જાહેરાત બાદ એક બ્લોગ પર આઈપીએલ ૨૦૨૦ ટૂર્નામેન્ટ પર પોતાના વિચારો રાખ્યા હતા. તેણે કહ્યું કે, તે બોલરોના પ્રદર્શનથી ઘણો ખુશ છે. તેણે કહ્યું કે, ખેલાડી જેટલો દૂર સુધી બોલને મારી શકે છે.
બોલ સ્ટેડિયમની બહાર જતો રહે છે. આ જોઈને ખુબ મજા આવે છે, પરંતુ તે જોઈને પણ સારૂ લાગે છે કે બોલર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને લખ્યું કે, આઈપીએલ ૨૦૨૦મા ત્રણ ટીમો વચ્ચે લડાઈ જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ. પીટરસને ગુરૂવારે આરસીબી કેપ્ટન વિરાટ કોહલી દ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ નંબર ૬ પર એબી ડિવિલિયર્સને મોકલવાના નિર્ણયની ટીકા કરી હતી. આ પહેલા એબીડીએ કોલકત્તા વિરુદ્ધ ચોથા ક્રમે બેટિંગ કરતા ૩૩ બોલ પર ૭૩ રનની ઈનિંગ રમી હતી.